Ram Mandir Pran Pratishtha: PM મોદીએ 'વનવાસ' સમાપ્ત કરવામાં વિલંબ માટે ભગવાન રામની માફી માંગી, સાંજે દરેક ઘરમાં 'રામ જ્યોતિ' પ્રગટાવાશે | Moneycontrol Gujarati
Get App

Ram Mandir Pran Pratishtha: PM મોદીએ 'વનવાસ' સમાપ્ત કરવામાં વિલંબ માટે ભગવાન રામની માફી માંગી, સાંજે દરેક ઘરમાં 'રામ જ્યોતિ' પ્રગટાવાશે

Ram Mandir Pran Pratishtha: 500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ આખરે રામ લલ્લા તેમના ભવ્ય રામ મંદિરમાં સ્થાયી થયા છે અને રામ લલ્લાની આંખો ખુલી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના હાથે રામ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. શ્રી રામ જન્મભૂમિ મંદિરનો અભિષેક વિધિ સંપન્ન થયો.

અપડેટેડ 04:14:30 PM Jan 22, 2024 પર
Story continues below Advertisement
મને દેશના ખૂણે-ખૂણે અલગ અલગ ભાષાઓમાં રામાયણ સાંભળવાનો અવસર મળ્યો-પીએમ મોદી

Ram Mandir Pran Pratishtha: અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા વિધિ સંપન્ન થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંતોના આશીર્વાદ લીધા હતા. અને મંચ પરથી સંતોએ આશીર્વચન પાઠવ્યા હતા. ગોવિંદદેવગીરીજી મહારાજે 11 દિવસના ઉપવાસ પૂર્ણ કરીને પારણાં કરાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, આજનો દિવસ કૃતજ્ઞતાથી ભરેલો છે. રાષ્ટ્ર અને વિશ્વ આજે અલૌકિક ક્ષણના સાક્ષી છે. આ મૂર્તિની પ્રતિષ્ઠા નથી પણ દેશના સ્વાભિમાનની ગરિમા છે. વર્ષોથી આ ક્ષણ માટે રાહ જોતા હતા. કોઈ એક વિભૂતિના કારણે યુગ પરિવર્તિત થઈ જાય છે. આવા જીવન સાધક પ્રધાનમંત્રીજી મળ્યા છે. આ માત્ર આ દેશનું નહીં, વિશ્વનું સૌભાગ્ય છે કે આપણને રાજદર્શી પ્રાપ્ત થયા. મને એ વાતનું આશ્ચર્ય થયું કે, પ્રાણ પ્રતિષ્ઠા માટે પોતે શું શું સિદ્ધ કરવું પડે, તેની નિયમાવલી મોંકલો. આવી વાત બહુ સારી કહેવાય. અમે ત્રણ દિવસના ઉપવાસ કરવાનું કહેલું પણ એમણે 11 દિવસના પૂર્ણ ઉપવાસ કર્યા.

'મંદિર જ્યાં બનાવવાનો સંકલ્પ કર્યો હતો ત્યાં જ બાંધવામાં આવ્યું'

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, રામોત્સવના પાવન અવસરે પ્રધાનમંત્રીજીનું હૃદયથી સ્વાગત અને અભિનંદન કરું છું. 500 વર્ષોથી વધારે રાહ જોયા પછી આજે અંતરમનની ભાવના એવી છે જેને વ્યક્ત કરવા શબ્દો નથી. મન ભાવવિહવળ છે. આજના ઐતિહાસિક દિવસે દરેક માર્ગ રામ મંદિર તરફ આવી રહ્યો છે.દરેકના મુખમાં રામ નામ છે. મનમાં છે. રોમ-રોમમાં રામ છે. રાષ્ટ્ર રામમય છે. એવું લાગે છે આપણે ત્રેતાયુગમાં આવી ગયા છીએ.આનંદ એ વાતનો છે કે રામ મંદિર ત્યાં બન્યું છે જ્યાં રામ જન્મભૂમિ છે. શિલ્પીએ આપણી કલ્પના મુજબની પ્રતીમા બનાવી છે. રામ જન્મભૂમિ સનાતન આસ્થાની પરીક્ષાનો કાળ રહ્યો. દરેક દિવસ સાથે આપણો સંકલ્પ દ્રઢ થતો રહ્યો. દરેક લોકો આજે અયોધ્યા આવવા આતુર છે. સમગ્ર વિશ્વ રામનો સાક્ષાત્કાર કરી રહ્યું છે. અયોધ્યામાં અરપોર્ટ હશે, સરયૂમાં ક્રૂઝ ચાલશે, અયોધ્યાની ગરિમા પાછી આવશે એવું કોઈએ વિચાર્યું નહોતું. પણ ડબલ એન્જિન સરકારે કરી બતાવ્યું છે.રામજીની પૈડી, ગુપ્તાર ઘાટનો વિકાસ થયો છે. રામવનગમન પથ પર નવું કામ ચાલી રહ્યું છે. આ મંદિર રાષ્ટ્ર મંદિર છે. રાષ્ટ્રીય ગૌરવનો ઐતિહાસિક અવસર છે. અયોધ્યાની ગલીઓમાં ગોળીઓ નહીં વરસે, કર્ફ્યૂ નહીં લાગે. હવે અયોધ્યામાં રોજ દિવાળી થશે. આ રામરાજ્યની સ્થાપના છે. રામરાજ્ય સમભાવ સમાજનું દ્યોતક છે. ભવ્ય, દિવ્ય રામ મંદિરને સાકાર કરવામાં અનેક લોકોનું યોગદાન છે.


રામલલ્લા આપણને પ્રેરણા આપવા આવ્યા છે

સંઘના વડા મોહન ભાગવતે કહ્યું કે, આજનો આનંદ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. અયોધ્યમાં રામલલ્લા સાથે ભારતનો સ્વ પાછો આવ્યો છે. વિશ્વને ત્રાસદીમાંથી મુક્ત કરાવનારું ભારત આજે ઉભરી આવ્યું છે. દેશભરમાં રામમય વાતાવરણ છે. મોદીએ 11 દિવસનું કઠોર તપ કર્યું. એ તપસ્વી છે. અયોધ્યામાં રામલલ્લા આવ્યા પણ તે અયોધ્યાની બહાર કેમ ગયા, કારણ કે અયોધ્યામાં કલહ થયો. અયોધ્યા એ નગરી છે જ્યાં કલહ નથી હોતો. આજે રામલલ્લા પાછા આવ્યા છે. આજે એ લોકોના ત્યાગને યાદ કરવો પડે. આ યુગમાં પાછા આવવાનો ઈતિહાસ જે જે શ્રવણ કરશે તે રાષ્ટ્ર માટે સમર્પિત રહેશે. આપણા માટે કર્તવ્યનો આદેશ છે. મોદીજીએ તપ કર્યું, હવે આપણે તપ કરવાનું છે. રામલલ્લા આપણને પ્રેરણા આપવા આવ્યા છે. આપણે અત્યારથી વ્રતનું પાલન કરીશું તો રામ મંદિર બનશે ત્યાં સુધીમાં ભારત વિશ્વગુરૂ બનશે.

ભગવાન રામનું મંદિર ન્યાયનો પર્યાય...'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યાના આંગણેથી કહ્યું કે, હું ગર્ભગૃહમાંથી ઈશ્વરિય ચેતનાનો સાક્ષી બનીને આવ્યો છું. ઘણું કહેવું છે પણ મન અવરોધે છે. શરીર સ્પંદિત છે. આપણા રામલલ્લા હવે ટેન્ટમાં નહીં રહે. આપણા રામલલ્લા દિવ્ય મંદિરમાં રહેશે. મને વિશ્વાસ છે, અપાર શ્રદ્ધા છે કે જે ઘટિત થયું છે તેની પ્રતિતિ રામ ભક્તોને થઈ રહી હશે. આ પળ પવિત્ર છે. ક્ષણ અલૌકિક છે. આ ઘડી પ્રભુ રામના આપણા પર આશીર્વાદ છે. 22 જાન્યુઆરી, 2024નો સૂરજ આપણા માટે અદભૂત આભા લઈને આવ્યો છે. આજે એ તારીખ નથી, નવા કાળચક્રનું ઉદ્દગમ છે. આજથી હજાર વર્ષ પછી પણ લોકો આજની તારીખની ચર્ચા કરશે. આ મોટી રામકૃપા છે કે આપણે આ પળને જીવી રહ્યા છીએ. સાક્ષાત ઘટિત થતાં જોઈએ છીએ. દિશાઓ, દિગંત દિવ્યતાથી પરિપૂર્ણ છે. આ સમય સામાન્ય નથી, કાળચક્ર પર અંકિત થઈ રહેલી અમિટ સ્મૃતિ રેખાઓ છે. જ્યાં રામનું કામ હોય છે ત્યાં પવનપુત્ર હનુમાન બિરાજમાન હોય છે.હું આજે પ્રભુ રામ પાસે ક્ષમાયાચના માગું છું.

આજે ઘરે ઘરે દિવડા પ્રગટશે

અમારા ત્યાગ, તપસ્યામાં કાંઈક તો કમી રહી હશે કે આટલા સમય સુધી અમે આ કાર્ય કરી શક્યા નહીં. મને વિશ્વાસ છે કે પ્રભુ રામ અવશ્ય ક્ષમા કરશે. ત્રેતામાં રામ આગમન પર સંત તુસલીદાસે લખ્યું છે- પ્રભુનું આગમન જોઈને જ અયોધ્યાવાસી, દેશવાસી લાંબા વિયોગથી આપત્તિ ભોગવતા હતા તે દૂર થયાં. એ વિયોગ 14 વર્ષનો હતો. આ યુગમાં અયોધ્યા અને દેશવાસીઓએ સેંકડો વર્ષોનો વિયોગ સહ્યો છે. આપણી કેટલીય પેઢીઓએ વિયોગ સહ્યો છે. ભારતના સંવિધાનમાં પહેલી પ્રતિમાં ભગવાન રામ બિરાજમાન છે. સંવિધાનના અસ્તિત્વમાં આવ્યા પછી પ્રભુના રામના અસ્તિત્વને લઈને લડાઈ ચાલી. ન્યાયના પર્યાય પ્રભુ રામનું મંદિર ન્યાયબદ્ધ રીતે બન્યું. આજે ઘરે ઘરે દિવડા પ્રગટશે. દેશમાં ફરી દિવાળી ઉજવાશે.એ સમયે જે કાળચક્ર બદલાયું તે રીતે જ કાળચક્ર બદલાશે એવું મને ધનુષકોડીમાં લાગ્યું. નાસિકનું પંચવટીધામ, લેપાક્ષી, શ્રીરંગમ મંદિર, રામેશ્વરમ બધે ગયો. 11 દિવસના ઉપવાસ દરમિયાન મેં સાગરથી સરયૂ સુધીની યાત્રા કરી. દરેક જગ્યાએ રામ નામનો ઉત્સાહ છવાયેલો છે. રામ ભારતવાસીઓના અંતર્મનમાં બિરાજેલા છે.

'રામ અગ્નિ નથી, રામ ઊર્જા છે'

મને દેશના ખૂણે-ખૂણે અલગ અલગ ભાષાઓમાં રામાયણ સાંભળવાનો અવસર મળ્યો. રામને પરિભાષિત કરતાં ઋષિઓએ કહ્યું, રમન્તે યસ્મિન ઈતિ રામ... રામ પર્વથી લઈને પરંપરામાં સમાયેલા છે. લોકોએ રામને જીવ્યા છે. રામ રસ જીવન પ્રવાહની જેમ વહ્યો છે. રામકથા અસીમ છે. રામાયણ પણ અનંત છે. બધે રામના મૂલ્યો સરખા છે. આજે દેશ એ વાતનો સાક્ષી છે કે, અગણીત રામ ભક્તો, કારસેવકો અને સંત મહાત્માના ઋણી છીએ. આજની ક્ષણ ઉત્સવની તો છે પણ ભારતીય સમાજની પરિપક્વતાની બોધની ક્ષણ છે. આ અવસર વિજયનો નહીં, વિનયનો પણ છે. ઘણા રાષ્ટ્ર પોતાના ઈતિહાસમાં ઉલઝાઈ જાય છે. તેમાંથી બહાર નીકળવામાં કષ્ટ પડ્યું પણ આપણા દેશે જે ગંભીરતા અને ભાવુકતા સાથે ખોલી છે તે બતાવે છે કે આપણું ભવિષ્ય ભૂતકાળ કરતાં વધારે સરસ બનવા જઈ રહ્યું છે. ઘણા કહે છે, રામ મંદિર બનશે તો આગ લાગી જશે. એ લોકો નિર્માણ પાછળનો હેતુ નથી સમજતા. આ મંદિર સમભાવનું પ્રતીક છે. આ મંદિર કોઈ આગને નહીં, ઊર્જાને જન્મ આપે છે. રામ વિવાદ નહીં, રામ સમાધાન છે. રામ આપણા નથી. રામ તો બધાના છે. તે વર્તમાની નહીં, અનંતકાળના છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 22, 2024 4:08 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.