ભારતમાં હવે વસ્તી વધારો અટકશે! ક્યારેય નહીં પહોંચે 180 કરોડનો આંકડો, જાણકારોનો મોટો દાવો
India population: ભારતની વસ્તી ક્યારેય 180 કરોડનો આંકડો પાર નહીં કરે! જાણકારોના મતે, 2080 સુધીમાં દેશની વસ્તી સ્થિર થઈ જશે. શિક્ષણ, પરિવાર નિયોજન અને ઘટતા જન્મ દર જેવા કારણો જાણવા માટે વાંચો આ લેખ.
દેશની વસ્તી વધારો હવે અટકશે: 2080 સુધીમાં સ્થિરતા, 2 અબજનો આંક ક્યારેય નહીં!
India population: એક સમયે ભારતની સતત વધતી જતી વસ્તી એક મોટી ચિંતાનો વિષય હતી, પરંતુ હવે જાણકારો એક નવા અને આશાસ્પદ અંદાજ સાથે સામે આવ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે, વર્ષ 2080 સુધીમાં ભારતની વસ્તી 180થી 190 કરોડની આસપાસ સ્થિર થઈ જશે અને આ પછી વસ્તી વૃદ્ધિ લગભગ અટકી જશે. આનો અર્થ એ થયો કે ભારતની વસ્તી ક્યારેય 2 અબજના આંકડાને પાર નહીં કરે.
રિપ્લેસમેન્ટ લેવલથી નીચે ગયો જન્મ દર
ભારતમાં હાલનો ફર્ટિલિટી રેટ (TFR) ઘટીને 1.9 પર પહોંચી ગયો છે, જે રિપ્લેસમેન્ટ લેવલ 2.1થી પણ નીચે છે. રિપ્લેસમેન્ટ લેવલ એટલે પતિ-પત્નીનું સ્થાન લેવા માટે ઓછામાં ઓછા 2 બાળકો હોવા. આ આંકડો દર્શાવે છે કે હવે મોટાભાગના લોકો 1 જ બાળક રાખવાનું પસંદ કરી રહ્યા છે. આ વલણ વસ્તી વૃદ્ધિને ધીમી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
ભારત એક મોટા ડેમોગ્રાફિક બદલાવના તબક્કામાં
ભારત અત્યારે એક મોટા ડેમોગ્રાફિક બદલાવના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. છેલ્લા 2 દાયકાથી દેશમાં જન્મ દરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. વર્ષ 2000માં કુલ ફર્ટાઈલ રેટ (TFR) 3.5 હતો, જે આજે ઘટીને 1.9 પર આવી ગયો છે. ઇન્ડિયન એસોસિયેશન ફોર સ્ટડી પોપ્યુલેશનના મહાસચિવ અનિલ ચંદ્રનના મતે, 2080 સુધીમાં દેશની વસ્તી તેની મહત્તમ સપાટી પર પહોંચી શકે છે અને ભારતની વસ્તી ક્યારેય 2 અબજના આંકડાને નહીં સ્પર્શે.
શિક્ષણ, કારકિર્દી અને જાગૃતિનો પ્રભાવ
ફર્ટિલિટી રેટ ઘટવાના પાછળ ઘણા કારણો જવાબદાર છે. અનિલ ચંદ્રન જણાવે છે કે, વિકાસ, મહિલા શિક્ષણમાં પ્રગતિ અને પરિવાર નિયોજનના ઉપાયો પ્રત્યે વધતી જાગૃતિને કારણે લોકો હવે નાના પરિવારને પ્રાથમિકતા આપી રહ્યા છે. લોકો હવે સ્પષ્ટપણે જાણે છે કે તેમને કેટલા બાળકો જોઈએ છે. ઘણા લોકો મોડેથી લગ્ન કરી રહ્યા છે અને પોતાની કારકિર્દીને પ્રથમ સ્થાન આપી રહ્યા છે.
આજે પણ નિરક્ષર સમાજમાં TFR 3 થી વધારે છે, પરંતુ શિક્ષિત સમાજમાં તે ઘટીને 1.5 થી 1.8 સુધી પહોંચી ગયો છે, જે શિક્ષણના પ્રભાવને સ્પષ્ટપણે દર્શાવે છે.
પશ્ચિમ બંગાળમાં સૌથી ઓછો જન્મ દર
સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમના આંકડા મુજબ, પશ્ચિમ બંગાળમાં જન્મ દરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે. અહીં TFR 2013માં 1.7 હતો, જે ઘટીને હવે 1.3 પર આવી ગયો છે. TFRના મામલે પશ્ચિમ બંગાળ દેશમાં સૌથી પાછળ છે. ચંદ્રને એમ પણ કહ્યું કે, આરોગ્ય સુવિધાઓ વધવાને કારણે લોકોની સરેરાશ ઉંમર વધી છે અને આજે મોટાભાગના લોકો 60 વર્ષથી વધુ જીવે છે. આ બધા પરિબળો મળીને ભારતની વસ્તી વૃદ્ધિના ભવિષ્યને નવી દિશા આપી રહ્યા છે.