Study in USA: અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓનો દબદબો: સંખ્યા 3.63 લાખને પાર, પણ નવા એડમિશનમાં ઘટાડો કેમ? જાણો સંપૂર્ણ વિગત
Study in USA: 'Open Doors 2025' રિપોર્ટ મુજબ, અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 9.5% વધીને 3.63 લાખને પાર પહોંચી છે. જોકે, નવા એડમિશનમાં ઘટાડો કેમ જોવા મળ્યો? જાણો ભારતીયો કયા કોર્સ પસંદ કરી રહ્યા છે અને કયા કારણોસર ચિંતા વધી રહી છે તેની સંપૂર્ણ વિગત.
વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે ભારતીય વિદ્યાર્થીઓની પહેલી પસંદ આજે પણ અમેરિકા જ છે.
Study in USA: વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે ભારતીય વિદ્યાર્થીઓની પહેલી પસંદ આજે પણ અમેરિકા જ છે. તાજેતરમાં જાહેર થયેલા 'ઓપન ડોર્સ 2025' રિપોર્ટ અનુસાર, વર્ષ 2024-25માં અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 9.5%નો મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ સાથે જ અમેરિકાની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં ભારતીય વિદ્યાર્થીઓનો આંકડો 3,63,019 પર પહોંચી ગયો છે.
આ રિપોર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ટરનેશનલ એજ્યુકેશન (IIE) દ્વારા 17 નવેમ્બર, 2025ના રોજ બહાર પાડવામાં આવ્યો છે. રિપોર્ટ સ્પષ્ટપણે દર્શાવે છે કે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ભારત સતત બીજા વર્ષે ચીનને પાછળ રાખીને પ્રથમ સ્થાને છે.
આંકડા શું કહે છે: કુલ વધારો પણ નવા પ્રવેશમાં ઘટાડો
રિપોર્ટ મુજબ અમેરિકામાં કુલ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા 11.7 લાખ છે, જેમાં ગયા વર્ષની સરખામણીએ 5%નો વધારો થયો છે. જોકે, ચિંતાની વાત એ છે કે નવા વિદ્યાર્થીઓના પ્રવેશમાં લગભગ 7%નો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડો મોટાભાગે ગ્રેજ્યુએટ (માસ્ટર્સ) કક્ષાના કોર્સમાં જોવા મળ્યો છે.
* કુલ ભારતીય વિદ્યાર્થીઓ: 3,63,019 (9.5%નો વધારો)
* ચીનના વિદ્યાર્થીઓ: 2,65,919 (4%નો ઘટાડો)
* અંડરગ્રેજ્યુએટ (બેચલર) વિદ્યાર્થીઓ: 40,000થી વધુ (11%નો વધારો)
* ગ્રેજ્યુએટ (માસ્ટર્સ) વિદ્યાર્થીઓ: લગભગ 9.5%નો ઘટાડો
એક સકારાત્મક બાબત એ છે કે ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) હેઠળ કામ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 47%નો જબરદસ્ત વધારો થયો છે. OPT હેઠળ વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો કર્યા પછી તેમના ક્ષેત્રમાં કામ કરવાનો અનુભવ મેળવી શકે છે.
ભારતીય વિદ્યાર્થીઓ કયા કોર્સ અને રાજ્યો પસંદ કરી રહ્યા છે?
ભારતીય વિદ્યાર્થીઓનો ઝુકાવ STEM (સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ) ક્ષેત્રો તરફ વધુ છે. આંકડા દર્શાવે છે કે:
* કમ્પ્યુટર સાયન્સ: 43%
* એન્જિનિયરિંગ: 23%
* બિઝનેસ મેનેજમેન્ટ: 11%
મહત્વની વાત એ છે કે અમેરિકામાં ભણતા દર 4 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાંથી 1 ગણિત અથવા કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરી રહ્યો છે. વિદ્યાર્થીઓ માટે કેલિફોર્નિયા, ટેક્સાસ, અને ન્યુયોર્ક સૌથી પસંદગીના રાજ્યો રહ્યા છે. જ્યારે વિદ્યાર્થીઓની સંખ્યામાં સૌથી વધુ વૃદ્ધિ ટેક્સાસ, ઇલિનોઇસ, અને મિઝોરીમાં જોવા મળી છે.
નવા વિદ્યાર્થીઓના ઘટાડા પાછળનું કારણ શું?
રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જાન્યુઆરી 2025માં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બીજી ટર્મ શરૂ કરાયા બાદ અમેરિકાના ઉચ્ચ શિક્ષણ અને ઇમિગ્રેશન કાયદામાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. આ ફેરફારોને કારણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં અમેરિકા જઈને અભ્યાસ કરવા અંગે થોડો ખચકાટ જોવા મળી રહ્યો છે, જે નવા એડમિશનમાં ઘટાડાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. જોકે, હાલ જે વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે, તેમના માટે અમેરિકા હજુ પણ શ્રેષ્ઠ સ્થળ બનેલું છે.