Tech Layoffs: 2025માં ટેક કંપનીઓમાં 1 લાખથી વધુ નોકરીઓ ગઈ, Amazonથી TCS સુધી છંટણીનું વાવાઝોડું
Tech Layoffs: 2025માં ટેક ક્ષેત્રમાં 1 લાખથી વધુ નોકરીઓ ગઈ! ઇન્ટેલ, એમેઝોન, ટીસીએસ સહિતની કંપનીઓમાં AI અને કોસ્ટ કટિંગને કારણે મોટી છંટણી. વાંચો સંપૂર્ણ રિપોર્ટ.
AIની ઝડપ અને કંપનીઓના ખર્ચ ઘટાડવાના પ્લાનથી હજારો લોકોની નોકરીઓ જોખમમાં મુકાઈ છે.
Tech Layoffs 2025: આ વર્ષે ટેક દુનિયામાં નોકરીઓનું મોટું સંકટ આવ્યું છે. AIની ઝડપ અને કંપનીઓના ખર્ચ ઘટાડવાના પ્લાનથી હજારો લોકોની નોકરીઓ જોખમમાં મુકાઈ છે. Layoffs.FYI વેબસાઈટના ડેટા પ્રમાણે, 2025માં અત્યાર સુધી 218થી વધુ કંપનીઓએ 1 લાખથી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. આ આંકડો છેલ્લા ઘણા વર્ષોની સૌથી મોટી છંટણી દર્શાવે છે.
ઇન્ટેલ અને એમેઝોનમાં સૌથી મોટી છટણી
અમેરિકી ચિપ બનાવતી કંપની ઇન્ટેલે સૌથી મોટો ઝટકો આપ્યો છે. તેણે લગભગ 24,000 કર્મચારીઓને નોકરીમાંથી હટાવ્યા, એટલે કે પોતાના વૈશ્વિક વર્કફોર્સના 22% જેટલા. આ કટ અમેરિકા, જર્મની, કોસ્ટા રિકા અને પોલેન્ડમાં ફેલાયેલા ઓફિસોમાં થયા છે. Nvidia અને AMD જેવી હરીફ કંપનીઓથી પાછળ પડવાના દબાણને કારણે ઇન્ટેલ ખર્ચ ઘટાડીને AI આધારિત પ્રોડક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
એમેઝોને પણ મોટી છટણી કરી છે. કંપનીએ 14,000 જેટલી કોર્પોરેટ નોકરીઓ ખતમ કરી છે. સીઈઓ એન્ડી જેસીએ કહ્યું કે એમેઝોન હવે વિશ્વની સૌથી મોટી સ્ટાર્ટઅપની જેમ કામ કરવા માંગે છે – ઓછો ખર્ચ અને વધુ નવીનતા. આ કટ મુખ્યત્વે ઓપરેશન્સ, એચઆર અને ક્લાઉડ વિભાગમાં થયા છે, જેથી AI રોકાણો પર વધુ ફોકસ કરી શકાય.
માઇક્રોસોફ્ટ, ગૂગલ, મેટા પણ પાછળ નથી
માઇક્રોસોફ્ટે આ વર્ષે આશરે 9,000 કર્મચારીઓને હટાવ્યા છે, ખાસ કરીને સોફ્ટવેર અને પ્રોડક્ટ વિભાગમાંથી. ગૂગલ અને મેટા (ફેસબુકની પેરન્ટ કંપની) એ પણ એન્ડ્રોઇડ, હાર્ડવેર અને AI ટીમોમાં છટણી કરી છે, જેથી ડુપ્લિકેટ રોલ્સ ખતમ થાય અને ખર્ચ નિયંત્રણમાં આવે. ઓરેકલે અમેરિકામાં સેંકડો કર્મચારીઓને હટાવીને પોતાની વ્યૂહરચના AI આધારિત ક્લાઉડ સેવાઓ તરફ વાળી છે.
ભારતીય આઇટી પર પણ અસર
આ છટણીની લહેર ભારતના આઇટી ક્ષેત્ર સુધી પહોંચી છે. દેશની સૌથી મોટી સોફ્ટવેર કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) એ જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં લગભગ 20,000 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો છે. આ કંપનીના ઇતિહાસની સૌથી મોટી ત્રિમાસિક છટણી છે. TCS એ આ પગલાનું કારણ AI આધારિત પુનર્ગઠન અને સ્કિલ ગેપ ગણાવ્યું છે. બીજી ભારતીય આઇટી કંપનીઓ પણ નવી ભરતીઓ પર બ્રેક લગાવી રહી છે, કારણ કે ઓટોમેશનથી મધ્યમ સ્તરની નોકરીઓની જરૂરિયાત ઘટી છે.
ટેક બહાર પણ આંધી
આ સંકટ ફક્ત ટેક સુધી મર્યાદિત નથી. લોજિસ્ટિક્સ કંપની UPS એ ઓટોમેશન લાવવા 48,000 નોકરીઓ ખતમ કરી છે. ફોર્ડ પોતાના ઇલેક્ટ્રિક વાહનોના કામને સુવ્યવસ્થિત કરવા 8,000થી 13,000 નોકરીઓ ઘટાડવા જઈ રહી છે. PwC એ ટેક્સ અને ઓડિટ વિભાગમાં AI એકીકરણથી 5,600 પદો ઘટાડ્યા છે. મીડિયા કંપની પેરામાઉન્ટ ગ્લોબલે પણ 2,000 કર્મચારીઓની છંટણી કરી છે. આ બધું દર્શાવે છે કે AI અને ઓટોમેશન ભવિષ્યની દિશા બદલી રહ્યા છે, પણ તેની સાથે નોકરીઓનું સંકટ પણ વધી રહ્યું છે.