GDP slowdown superpowers: આજના વૈશ્વિક અર્થતંત્રમાં મોટા-મોટા દેશો પણ ડગમગી રહ્યા છે. રશિયા, અમેરિકા અને ચીન- આ ત્રણેય મહાસત્તાઓની અર્થવ્યવસ્થાઓમાં હાલમાં મંદીના સંકેતો મળી રહ્યા છે. યુદ્ધ, વેપાર નીતિઓ અને આંતરરાષ્ટ્રીય દબાણને કારણે આ સ્થિતિ વધુ ગંભીર બની છે. આ વર્ષના અંત સુધીમાં આ દેશોમાં મોટી આર્થિક છટણીની આગાહી કરવામાં આવી રહી છે, જે વૈશ્વિક બજારોને પણ અસર કરશે.
રશિયા: યુક્રેન યુદ્ધનું ભારે પડ્યું, GDPમાં કડાકો
રશિયાની અર્થવ્યવસ્થા પર યુક્રેન સાથેના ચાલુ યુદ્ધની છાપ સ્પષ્ટ દેખાઈ રહી છે. કેન્દ્રીય બેંકના તાજા અહેવાલ મુજબ, જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં GDP વૃદ્ધિ માત્ર 0.6% રહી, જે અગાઉના ત્રિમાસિકની 1.1% કરતા નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે. બેંકની ચેતવણી છે કે ચોથા ત્રિમાસિકમાં આ આંકડો -0.5% સુધી ઘટી શકે છે અથવા માત્ર 0.5% વધી શકે છે, જે વર્ષના અંત સુધીમાં મંદીની શક્યતા વધારે છે.
આ વર્ષની તુલનામાં ગયા વર્ષના અંતિમ મહિનામાં ઉત્પાદનમાં આવેલા અચાનક વધારાને કારણે આ આંકડા વધુ નબળા લાગે છે. ઓગસ્ટમાં બેંકે 1.6% વૃદ્ધિનું અનુમાન કર્યું હતું, પણ વાસ્તવિકતા તેનાથી નીચી પડી. કેન્દ્રીય બેંક કહે છે કે અર્થવ્યવસ્થા 'ઓવરહીટ' નથી થઈ, પરંતુ 'ફ્રીઝ' થઈ ચૂકી છે. 4%થી વધુની મોંઘવારી, લાંબા સમયના ઉંચા વ્યાજદરો અને શ્રમબજાર પર દબાણને કારણે આ સ્થિતિ છે. વિશેષ કરીને માઇનિંગ અને મેટલ ઇન્ડસ્ટ્રી જેવા નિકાસ આધારિત ક્ષેત્રોમાં ઉત્પાદન ઘટ્યું છે. યુદ્ધની અસરે રશિયાની આર્થિક વૃદ્ધિ પર લાંબા ગાળાનું દબાણ વધ્યું છે.
અમેરિકા: ટ્રમ્પની નીતિઓ અને AIના કારણે મોટી છટણી
બીજી તરફ, અમેરિકાની અર્થવ્યવસ્થા પણ ડગમગાઈ રહી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મનમાનીભરી વેપાર નીતિઓ, જેમ કે ટેરિફ વધારો અને ઇમિગ્રન્ટ્સ પર કડક વિઝા નિયમો એ બજારોમાં અસ્થિરતા વધારી છે. ઓક્ટોબરમાં નોકરીઓમાં મોટી છટણી જોવા મળી, જેમાં ચેલેન્જર, ગ્રે એન્ડ ક્રિસમસના ડેટા મુજબ આ વર્ષે અત્યાર સુધીમાં 1.1 મિલિયન એટલે કે 11 લાખ લોકોની નોકરીઓ ગઈ છે. આ 2020ની કોરોના મહામારી પછીની સૌથી મોટી છટણી છે.
નિષ્ણાતો કહે છે કે આ પાછળ મુખ્ય કારણો છે કોસ્ટ કટિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI). ખાસ કરીને ટેક્નોલોજી ક્ષેત્રને માર લાગ્યો છે, જ્યાં આ વર્ષે 141,000 આઇટી નોકરીઓ ખતમ થઈ. ઓક્ટોબરમાં જ 153,074 નોકરીઓની છટણી જાહેર થઈ, જે ગયા વર્ષની સમાન મહિના કરતા 175% વધારો દર્શાવે છે. આ સ્થિતિ અમેરિકાના શ્રમબજારને રિસેશન જેવી તરફ દોરી જાય તેવી આશંકા વધારે છે.
ચીન, જે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, તેમાં પણ મંદીનો મેઘો છવાયો છે. અર્થતંત્રનું મુખ્ય એન્જિન ગણાતું રિયલ એસ્ટેટ ક્ષેત્ર લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યું છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, છેલ્લા ચાર વર્ષથી આ ક્ષેત્ર મંદીમાં છે. ઓક્ટોબરમાં મકાનોના વેચાણમાં અચાનક 42%નો ઘટાડો નોંધાયો, જે અગાઉના વર્ષ કરતા નોંધપાત્ર છે.
સરકારે પ્રોપર્ટી માર્કેટને સમર્થન આપવા માટે અનેક પગલાં લીધાં છતાં આ સ્થિતિ સુધરી નથી. નવા મકાનોના વેચાણમાં આ ઘટાડો અર્થવ્યવસ્થાના વૃદ્ધિ દરને અને વધુ ધીમો પાડશે, કારણ કે રિયલ એસ્ટેટ ચીનના GDPનો મોટો હિસ્સો છે. આ વર્ષે પ્રોપર્ટી રોકાણ પણ ઘટ્યું છે, જે વૈશ્વિક સપ્લાય ચેઇનને અસર કરી શકે છે.
વૈશ્વિક અસર અને આગાહી
આ ત્રણ મહાસત્તાઓની આર્થિક મંદી વૈશ્વિક બજારોને હલાવી નાખશે. રશિયાની યુદ્ધ આધારિત અસ્થિરતા, અમેરિકાની નોકરીઓની છટણી અને ચીનનો પ્રોપર્ટી ક્રાઇસિસ – આ તમામ વૈશ્વિક વૃદ્ધિને ધીમી પાડશે. નિષ્ણાતોની સલાહ છે કે રાજકારણ અને વેપાર નીતિઓમાં સંતુલન જરૂરી છે. આ 2025ના અંત સુધીમાં વધુ વખાણ કરશે કે નહીં, તે જોવાનું રહેશે.