India US exports drop: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટ્રેડ પોલિસીએ ભારતીય અર્થતંત્રને એક મોટો ઝટકો આપ્યો છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI)ના તાજા રિપોર્ટ પ્રમાણે, મે 2025થી સપ્ટેમ્બર 2025 વચ્ચે ભારતના અમેરિકા તરફના એક્સપોર્ટમાં 37.5%નો ભયંકર ઘટાડો નોંધાયો છે. આ અવધિમાં એક્સપોર્ટ 8.8 અબજ ડોલરથી ઘટીને માત્ર 5.5 અબજ ડોલર રહી ગઈ છે. આ ઘટાડો છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી મોટો માનવામાં આવે છે, અને તેનું મુખ્ય કારણ અમેરિકાએ ભારતીય માલ પર લગાવેલા વધતા ટેરિફ છે.
ટેરિફની સીધી અસર ભારતીય એક્સપોટર્સ પર
અમેરિકાએ એપ્રિલ 2025માં ભારતીય વસ્તુઓ પર 10% ટેરિફ લગાવ્યું હતું, જે ઓગસ્ટ સુધીમાં વધીને 50% સુધી પહોંચી ગયું. આની સીધી અસર ભારતીય નિર્યાતકો પર પડી, અને અમેરિકી બજારમાં ભારતનું પ્રદર્શન ક્યારેય આટલું નબળું નહોતું જોવા મળ્યું. સૌથી વધુ નુકસાન તે વસ્તુઓને થયું જે પહેલાં ટેરિફ-ફ્રી હતી. આ વસ્તુઓ ભારતના કુલ અમેરિકી એક્સપોર્ટના લગભગ એક-તૃતીયાંશ હિસ્સો ધરાવતી હતી, પરંતુ તેમાં 47%નો ઘટાડો આવ્યો. મેમાં આનું એક્સપોર્ટ 3.4 અબજ ડોલર હતું, જે સપ્ટેમ્બરમાં ઘટીને 1.8 અબજ ડોલર થઈ ગયું. આ આંકડા દર્શાવે છે કે ટેરિફની અસર કેટલી ગંભીર છે, ભલે વસ્તુઓ પહેલાં મુક્ત હોય.
સ્માર્ટફોન સેક્ટરને સૌથી મોટો ફટકો
સ્માર્ટફોન સેક્ટરને સૌથી મોટો ફટકો પડ્યો છે. 2024-25માં એપ્રિલથી સપ્ટેમ્બર સુધી આ એક્સપોર્ટ 197% વધ્યું હતું, પરંતુ હવે તેમાં 58%નો ઘટાડો નોંધાયો. મેમાં 2.29 અબજ ડોલરનું એક્સપોર્ટ સપ્ટેમ્બરમાં ઘટીને માત્ર 884.6 મિલિયન ડોલર રહ્યું. આનાથી ભારતીય મોબાઇલ ઉત્પાદકોની મુશ્કેલી વધી છે.
દવાઓના એક્સપોર્ટમાં પણ ઘટાડો
ફાર્માસ્યુટિકલ સેક્ટર, એટલે કે દવાઓના એક્સપોર્ટમાં પણ 15.7%ની ગિરાવટ આવી. મેમાં 745.6 મિલિયન ડોલરથી ઘટીને સપ્ટેમ્બરમાં 628.3 મિલિયન ડોલર થઈ ગયું. આ સેક્ટર માટે આ ચિંતાજનક છે, કારણ કે અમેરિકા દવાઓનું મોટું બજાર છે.
ઔદ્યોગિક ધાતુઓ અને ઓટો પાર્ટ્સના એક્સપોર્ટમાં સરેરાશ 16.7%નો ઘટાડો જોવા મળ્યો. વિગતવાર જોઈએ તો એલ્યુમિનિયમમાં 37%, કોપરમાં 25%, ઓટો કોમ્પોનેન્ટમાં 12% અને આયર્ન-સ્ટીલમાં 8%ની ગિરાવટ આવી. નિષ્ણાતો કહે છે કે આ ઘટાડો ભારતની સ્પર્ધાત્મકતાને કારણે નહીં, પરંતુ અમેરિકી ઔદ્યોગિક માંગમાં ઘટાડાને લીધે છે.
અન્ય દેશો છીનવી રહ્યાં છે હિસ્સો
લેબર-ઇન્ટેન્સિવ સેક્ટર જેવા કે ટેક્સટાઇલ, જેમ્સ-જ્વેલરી, કેમિકલ્સ અને એગ્રી-ફૂડ્સમાં સંયુક્ત રીતે 33%નો ઘટાડો નોંધાયો. ખાસ કરીને જેમ્સ અને જ્વેલરીમાં 59.5%ની ભારે ગિરાવટ આવી – મેમાં 500.2 મિલિયન ડોલરથી ઘટીને સપ્ટેમ્બરમાં 202.8 મિલિયન ડોલર. GTRI પ્રમાણે, આનાથી થાઇલેન્ડ અને વિયેતનામ જેવા દેશો ભારતનો બજાર હિસ્સો છીનવી રહ્યા છે.
રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં પણ 60.8%નો ઘટાડો આવ્યો. સોલર પેનલનું એક્સપોર્ટ 202.6 મિલિયન ડોલરથી ઘટીને 79.4 મિલિયન ડોલર થયું. ચીન અને વિયેતનામને અમેરિકામાં 20-30%ના ઓછા ટેરિફનો લાભ મળી રહ્યો છે. GTRIના રિપોર્ટ મુજબ, આ ટેરિફે ભારતીય નિર્યાતકોના માર્જિનને દબાવી દીધા છે અને દેશના એક્સપોર્ટ સેક્ટરની માળખાકીય નબળાઈઓને બહાર કાઢી છે. જો તાત્કાલિક નીતિગત પગલાં ન લેવાય તો ભારત વિયેતનામ, મેક્સિકો અને ચીન જેવા દેશોને પોતાના પરંપરાગત બજારો ગુમાવી બેસશે. આ સ્થિતિ ભારત માટે એક ચેતવણી છે કે વૈશ્વિક વેપારમાં સ્પર્ધા કેટલી તીવ્ર બની રહી છે.