Bombay Dyeing Wadia Worli land: બોમ્બે ડાઈંગ મિલની 18 એકર જમીન જાપાની ઉદ્યોગજૂથ સુમિટોમોને વેચવામાં આવે તેવી શક્યતા, વાડિયા જૂથની મિલ માટે સોદાની કુલ વેલ્યૂ 5000 કરોડ રૂપિયા આંકવામાં આવે છે. આ જમીન પાંડુરંગ બુધકર માર્ગ પર આવેલી છે. ભવિષ્યમાં અદભૂત વિકાસ થઈ શકે તેમ છે.
Bombay Dyeing Wadia Worli land: મુંબઈનું રિયલ એસ્ટેટ માર્કેટ ભારતમાં સૌથી મોંઘું ગણાય છે
Bombay Dyeing Wadia Worli land: મુંબઈનું રિયલ એસ્ટેટ માર્કેટ ભારતમાં સૌથી મોંઘું ગણાય છે. આ માર્કેટમાં હજારો કરોડો રૂપિયાના સોદા ઘણી વાર થયા છે. પરંતુ વાડિયાની મિલ માટે 5000 કરોડના સોદાથી રિયલ્ટી બજારમાં હલચલ મચી ગઈ છે. આ પ્રીમિયમ ગણવામાં આવતી જમીનનો એરિયા લગભગ એક લાખ ચોરસ મીટર કરતા પણ વધારે છે.
મુંબઈના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી રિયલ એસ્ટેટ ડીલ પૈકી એકની વિગતો બહાર આવી છે. આ સોદામાં વરલી ખાતે બોમ્બે ડાઈંગ મિલની 18 એકર જમીન જાપાની ઉદ્યોગજૂથ સુમિટોમોને વેચવામાં આવે તેવી શક્યતા છે. આ સોદાની કુલ વેલ્યૂ 5000 કરોડ રૂપિયા આંકવામાં આવે છે. વાડિયાનું વરલી હેડક્વાર્ટર જાપાની કંપનીને વેચાઈ રહ્યું છે. આ જમીન પાંડુરંગ બુધકર માર્ગ પર આવેલી છે અને ત્યાં ભવિષ્યમાં અદભૂત વિકાસ થઈ શકે તેમ છે.
તાજેતરમાં લો કંપની વાડિયા ગાંધી દ્વારા તેના ક્લાયન્ટ વતી એક નોટિસ પ્રકાશિત થઈ હતી જેમાં બોમ્બે ડાઈંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ કંપનીની જમીનમાં કોઈના રાઈટ, ટાઈટલ કે ઈન્ટરેસ્ટ છે કે નહીં તેની પૂછપરછ કરવામાં આવી છે. વરલી ખાતેની આ જમીનનો એરિયા એક લાખ ચોરસ મીટર કરતા વધારે થાય છે.
હાલમાં બોમ્બે ડાઈંગ મિલ પર આવેલા હેડક્વાર્ટરને ખાલી કરવાનું કામ ચાલે છે. ગઈકાલે અહીં ઢગલાબંધ ટેમ્પો એક લાઈનમાં હતા અને બિલ્ડિંગમાંથી સામાન કાઢીને તેમાં ભરવામાં આવતો હતો. કંપનીના ચેરમેનની ઓફિસ દાદર નાઈગાવ ખાતે આવેલી બોમ્બે ડાઈંગની પ્રોપર્ટી પર શિફ્ટ થઈ રહી છે. વાડિયા હેડક્વાર્ટરની પાછળ શિલ્પા શેટ્ટીની રેસ્ટોરન્ટ છે તે પણ અત્યારે બંધ છે.
સૂત્રોનું કહેવું છે કે મુંબઈના રિયલ્ટી ઈતિહાસમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો સોદો છે. કેટલાક વર્ષો અગાઉ બ્રૂકફિલ્ડ એસેટ મેનેજમેન્ટ કંપનીએ પોવેઈમાં 6700 કરોડમાં હીરાનંદાણી ગ્રૂપની ઓફિસ અને રિટેલ સ્પેસ ખરીદી હતી. પરંતુ બ્રૂકફિલ્ડની ડીલમાં એક આખી બિલ્ડિંગ સામેલ હતી, જ્યારે વાડિયાની ડીલ ખાલી જમીનને લગતી છે. આ વિશે બજુ સુધી વાડિયા ગ્રૂપ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
WICને એક સમયે બોમ્બે રિયલ્ટીનો બીજો ફ્લેગશિપ પ્રોજેક્ટ ગણવામાં આવ્યો હતો. તે રેસિડન્સ, ઓફિસ, લક્ઝરી હોટેલ, મોલ, હાઈ સ્ટ્રીટ અને અત્યાધુનિક હોસ્પિટલનો એક લક્ઝરી મિક્સ યુઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ગણવામાં આવે છે. પરંતુ વાડિયાએ આ પ્રોપર્ટી વેચીને પોતાની ઓફિસ દાદર-નાઈગાંવ સ્થિત બોમ્બે ડાઈંગ સ્પ્રિંગ મિલ્સમાં ખસેડવાનો નિર્ણય લીધો છે.
જાપાનની કંપની સુમિટોમો મુંબઈના રિયલ એસ્ટેટ બજારમાં પહેલેથી સક્રિય છે. 2019માં સુમિટોમોના યુનિટ ગોઈસુ રિયલ્ટીએ 12,141 ચોરસ મીટર લેન્ડ પાર્સલ લીઝ પર લીધું હતું જેની વેલ્યૂ લગભગ 2238 કરોડ રૂપિયા થાય છે. ગયા વર્ષે જાપાની કોર્પોરેશને એમએમઆરડીએના બે લેન્ડ પાર્સલ માટે ટેન્ડરમાં ભાગ લીધો હતો જેની વેલ્યૂ 2067 કરોડ રૂપિયા થાય છે. સુમિટોમો જાપાનના સૌથી મોટા ઉદ્યોગજૂથોમાં સામેલ છે અને તેની 886 ગ્રૂપ કંપનીઓ છે.