Digital Wedding Card Scam: વોટ્સએપ પર લગ્નના આમંત્રણ? એક ક્લિક અને તમારું બેન્ક ખાતું થઈ શકે છે ખાલી | Moneycontrol Gujarati
Get App

Digital Wedding Card Scam: વોટ્સએપ પર લગ્નના આમંત્રણ? એક ક્લિક અને તમારું બેન્ક ખાતું થઈ શકે છે ખાલી

Digital Wedding Card Scam: વોટ્સએપ પર આવતા ડિજિટલ લગ્નના આમંત્રણથી સાવધાન! સાઇબર ઠગો APK ફાઇલ દ્વારા તમારા બેન્ક ખાતાને ખાલી કરી શકે છે. આ સ્કેમ કેવી રીતે કામ કરે છે અને તેનાથી કેવી રીતે બચવું, જાણો વિસ્તૃતમાં.

અપડેટેડ 05:10:37 PM Nov 27, 2025 પર
Story continues below Advertisement
ગૂગલ પ્લે સ્ટોર સિવાય અન્ય કોઈ પણ સ્રોત પરથી ડાઉનલોડ કરવામાં આવતી .apk ફાઇલો ખૂબ જ જોખમી હોય છે.

Digital Wedding Card Scam: આજકાલ લગ્નની સીઝન પૂર બહારમાં ખીલી છે અને ચારે તરફ ખુશીનો માહોલ છે. પરંતુ, આ ખુશીના માહોલ વચ્ચે સાઇબર ગુનેગારો સક્રિય બન્યા છે. તેઓ ડિજિટલ વેડિંગ કાર્ડના નામે લોકોના બેન્ક ખાતા ખાલી કરવાનો નવો રસ્તો શોધી રહ્યા છે. વોટ્સએપ પર આવતા શંકાસ્પદ લગ્નના આમંત્રણથી સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે એક નાની ભૂલ તમને મોટી આર્થિક નુકસાની પહોંચાડી શકે છે.

દિલ્હી સહિત ભારતના ઘણા શહેરોમાં આ પ્રકારના ફ્રોડના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. ગુરુગ્રામ પોલીસે પણ નાગરિકોને આ અંગે સાવચેત રહેવા અપીલ કરી છે.

આ સ્કેમ કેવી રીતે કામ કરે છે?

અત્યારે ડિજિટલ યુગમાં લોકો લગ્નના આમંત્રણ માટે પરંપરાગત કાર્ડને બદલે ડિજિટલ વેડિંગ કાર્ડ મોકલવાનું પસંદ કરે છે. સાઇબર છેતરપિંડી કરનારાઓ આ જ સુવિધાનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે.

APK ફાઇલ મોકલવી: તમને વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી લગ્નના આમંત્રણ સાથે એક લિંક અથવા .apk ફાઇલ મોકલવામાં આવે છે. .apk ફાઇલ એટલે એન્ડ્રોઇડ ફોનમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે વપરાતી ફાઇલ.


ઇન્સ્ટોલેશન અને રિમોટ એક્સેસ: યુઝર આ ફાઇલને આમંત્રણ સમજીને ઓપન કરે કે તરત જ તે તમારા મોબાઇલ ફોનમાં ઇન્સ્ટોલ થઈ જાય છે. આ ફાઇલ ઇન્સ્ટોલ થતાંની સાથે જ હેકર્સને તમારા મોબાઇલ ફોનનું રિમોટ કંટ્રોલ મળી જાય છે.

માહિતીની ચોરી અને બેન્ક ખાતું ખાલી: સાઇબર ક્રાઇમ એસીપી પ્રિયાંશુ દીવાને જણાવ્યું કે, "હેકર્સ દુનિયાના કોઈપણ ખૂણામાં બેસીને તમારા મોબાઇલ પર નજર રાખી શકે છે. તેઓ OTP (વન ટાઈમ પાસવર્ડ) માંગ્યા વગર પણ તમારા બેન્ક ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે." આનો અર્થ એ થયો કે ભલે તમે કોઈને OTP ન આપો, તમારા પૈસા કપાઈ શકે છે.

APK ફાઇલ કેમ ખતરનાક છે?

ગૂગલ પ્લે સ્ટોર સિવાય અન્ય કોઈ પણ સ્રોત પરથી ડાઉનલોડ કરવામાં આવતી .apk ફાઇલો ખૂબ જ જોખમી હોય છે. તેમાં દૂષિત સોફ્ટવેર (મેલવેર) છુપાયેલા હોઈ શકે છે, જે તમારા ડિવાઇસને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.

ડેટા ચોરી: આ પ્રકારની ફાઇલ તમારા ફોટો, વીડિયો, ડોક્યુમેન્ટ્સ, કોન્ટેક્ટ્સ, મેસેજ અને લોકેશન જેવી તમામ વ્યક્તિગત માહિતી હેકર્સ સુધી પહોંચાડી શકે છે, અને તે પણ યુઝરની જાણ અને પરવાનગી વગર.

બેન્ક ફ્રોડ: મેલવેર દ્વારા હેકર્સ તમારી બેન્કિંગ વિગતો મેળવીને ખાતું ખાલી કરી શકે છે.

રિમોટ કંટ્રોલ: લગ્નના કાર્ડના નામે આવતી એપ્લિકેશન હેકર્સને તમારા મોબાઇલનો સંપૂર્ણ રિમોટ એક્સેસ આપી દે છે. હેકર્સ તમને ફ્રી સોફ્ટવેર અપગ્રેડ કે અન્ય આકર્ષક ઓફરની લાલચ આપીને પણ આવી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી શકે છે.

APK ફાઇલ આધારિત છેતરપિંડી કેવી રીતે થાય છે?

ગુરુગ્રામના સાઇબર ક્રાઇમ એસીપી પ્રિયાંશુ દીવાને વધુમાં સમજાવ્યું કે, "APK ફાઇલ અથવા લિંક-આધારિત સાઇબર ફ્રોડ મોટાભાગે જમતાડા જેવા સાઇબર હોટસ્પોટ પરથી ઓપરેટ થાય છે." આમાં યુઝરને લગ્નના કાર્ડના નામે અલગ-અલગ APK ફાઇલો અથવા લિંક્સ મોકલવામાં આવે છે. જ્યારે યુઝર તેને ઓપન કરે છે, ત્યારે AnyDesk અથવા TeamViewer જેવી રિમોટ એક્સેસ એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય છે. પછી હેકર્સ ગમે ત્યાંથી તમારા મોબાઇલ પર આવતા તમામ OTP અને અન્ય સંવેદનશીલ ડેટા જોઈ શકે છે. આથી યુઝરને એવું લાગે છે કે તેણે કોઈ OTP નથી આપ્યો, છતાં પૈસા કપાઈ જાય છે.

તમે કેવી રીતે સુરક્ષિત રહી શકો છો?

સાઇબર ક્રાઇમ પોલીસ નીચે મુજબના ઉપાયો સૂચવે છે પ્લે સ્ટોર પરથી જ એપ્સ ડાઉનલોડ કરો: કોઈપણ એપ્લિકેશનને ફક્ત Google Play Store અથવા Apple App Store પરથી જ ડાઉનલોડ કરો. અજાણ્યા સ્રોતો પરથી આવતી APK ફાઇલો ઇન્સ્ટોલ કરવાનું ટાળો.

લિંક્સ અને APK ફાઇલોથી દૂર રહો: અજાણ્યા નંબર પરથી આવતી કોઈપણ લિંક કે APK ફાઇલ ઓપન ન કરો.

વેરીફાય કરો: જો કોઈ લિંક આવે તો તેને ક્લિક કરતા પહેલા કાળીજીપૂર્વક વેરીફાય કરો.

સીધું ડિલીટ કરો: અજાણ્યા નંબર પરથી આવેલા મેસેજ કે વેડિંગ કાર્ડને તરત જ ડિલીટ કરી દો. તેને ઓપન કરવાની પણ જરૂર નથી.

તરત ફરિયાદ કરો: જો તમને સાઇબર ક્રાઇમનો ભોગ બન્યા હોવાનું લાગે, તો તાત્કાલિક 1930 નંબર પર કોલ કરીને ફરિયાદ નોંધાવો.

આ પણ વાંચો-પશ્ચિમી પ્રતિબંધોની અસર: ડિસેમ્બરમાં ભારતમાં રશિયન ક્રૂડની આયાત 3 વર્ષની નીચી સપાટીએ જઈ શકે

MoneyControl News

MoneyControl News

First Published: Nov 27, 2025 5:10 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.