બોઇકોએ એક રસપ્રદ નિરીક્ષણ શેર કરતા જણાવ્યું કે, ભારતીયો વિદેશમાં સ્થાયી થવાના મામલે પણ ઇન્વેસ્ટરની જેમ વિચારે છે.
ભારતના શ્રીમંત લોકો ઝડપથી વિદેશમાં સ્થાયી થઈ રહ્યા છે, અને આ ટ્રેન્ડને જોતા ઇમિગ્રેશન કંપનીઓ નવા-નવા આકર્ષક ઓફર્સ લઈને આવી રહી છે. ખાસ કરીને, જે લોકો મહિને 5થી 10 લાખ રૂપિયા કમાય છે અથવા કોઈ સ્ટાર્ટઅપ, હોટેલમાં થોડા હજાર ડોલરનું રોકાણ કરી શકે છે, તેમના માટે વિદેશમાં સ્થાયી થવાના રસ્તા ખુલી રહ્યા છે. ફ્રાન્સ, ઇટાલી, ઇજિપ્ત અને ગ્રેનાડા જેવા દેશો ભારતીયોની પસંદગીની યાદીમાં ટોચ પર છે.
4000થી વધુ ભારતીયોની અરજીઓ
વૈશ્વિક ઇમિગ્રેશન કંપની Garent.inના સ્થાપક એન્ડ્ર્યૂ બોઇકોએ જણાવ્યું કે, ભારતીયો માટે વિદેશમાં સ્થાયી થવાનું આકર્ષણ સ્પષ્ટ છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું, "ગુરુગ્રામમાં એક એપાર્ટમેન્ટ ખરીદવાની કિંમતમાં તમે ઇટાલીમાં સમાન કિંમતનું એપાર્ટમેન્ટ ખરીદી શકો છો, જેનાથી તમને ઇટાલી કે યુરોપના અન્ય દેશોમાં રહેવાની સુવિધા મળે છે, સાથે જ અન્ય દેશોમાં પણ સરળતાથી પહોંચી શકાય છે." બોઇકોએ વધુમાં જણાવ્યું કે, તેમની કંપનીને ફક્ત ત્રણ મહિનામાં ભારતમાંથી 4000થી વધુ અરજીઓ પ્રાપ્ત થઈ છે. આ અરજીઓમાં ફ્રાન્સ, ઇટાલી, ઇજિપ્ત અને ગ્રેનાડા ભારતીયોના સૌથી પસંદગીના દેશો તરીકે ઉભરી આવ્યા છે.
ભારતીયો રોકાણમાં મોખરે
બોઇકોએ એક રસપ્રદ નિરીક્ષણ શેર કરતા જણાવ્યું કે, ભારતીયો વિદેશમાં સ્થાયી થવાના મામલે પણ ઇન્વેસ્ટરની જેમ વિચારે છે. તેઓ એવી યોજનાઓ પસંદ કરે છે જેમાં નાણાકીય લાભ અને રોકાણ પર વળતર મળે. "ભારતીયો ખૂબ વ્યવહારુ હોય છે. તેઓ નાગરિકતા કે રેસિડેન્સી માટે ડોનેશન આપવાને બદલે એવું રોકાણ પસંદ કરે છે, જેમાં તેમના પૈસાનું વળતર મળે," બોઇકોએ કહ્યું.
વિદેશમાં સ્થાયી થવાના આકર્ષક વિકલ્પો
આ ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને, ઇમિગ્રેશન કંપનીઓ ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ પ્રોગ્રામ જેવી યોજનાઓ ઓફર કરી રહી છે. આ પ્રોગ્રામ હેઠળ, વ્યક્તિએ ચોક્કસ મર્યાદાથી વધુ સ્થિર આવક દર્શાવવાની હોય છે, અને નિયમો અને શરતોને આધીન થઈને, થોડા વર્ષો પછી આ રેસિડેન્સી નાગરિકતામાં બદલાઈ શકે છે. આવા પ્રોગ્રામ ભારતીયો માટે આકર્ષક બની રહ્યા છે, કારણ કે તેમાં રોકાણની સાથે નાણાકીય સ્વતંત્રતા અને ભવિષ્યની સુરક્ષા પણ મળે છે.
શા માટે ભારતીયો પસંદ કરે છે આ દેશો?
ફ્રાન્સ: સાંસ્કૃતિક વૈવિધ્ય, ઉચ્ચ જીવનધોરણ અને યુરોપના અન્ય દેશોમાં સરળ પ્રવેશ.
ઇટાલી: આર્થિક તકો, સુંદર જીવનશૈલી અને રોકાણના વિકલ્પો.
ઇજિપ્ત: પોસાય તેવા રોકાણના વિકલ્પો અને આકર્ષક રેસિડેન્સી પ્રોગ્રામ.
ગ્રેનાડા: ઝડપી નાગરિકતા પ્રક્રિયા અને કેરેબિયન જીવનશૈલી.
શું છે આગળનું પગલું?
જો તમે પણ વિદેશમાં સ્થાયી થવાનું વિચારી રહ્યા છો, તો ઇમિગ્રેશન કંપનીઓ દ્વારા ઓફર કરવામાં આવતા વિવિધ પ્રોગ્રામ્સની માહિતી મેળવવી જરૂરી છે. રોકાણ આધારિત રેસિડેન્સીથી લઈને ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ પ્રોગ્રામ સુધી, ભારતીયો માટે વિકલ્પોની કોઈ કમી નથી.