Canada Citizenship Law: કેનેડા સરકારે નાગરિકતા કાયદામાં ઐતિહાસિક બદલાવ કર્યો છે. Bill C-3ને શાહી મંજૂરી મળતા, 2009ની પ્રથમ-પેઢીની મર્યાદાથી પ્રભાવિત હજારો ભારતીય મૂળના પરિવારો સહિત અનેક લોકોને કનેડિયન નાગરિકતા મળવાનો માર્ગ મોકળો થશે. આ નવા કાયદાની વિગતવાર માહિતી અહીં જાણો.
વર્ષ 2009માં કેનેડિયન વંશ દ્વારા નાગરિકતા પર 'પ્રથમ-પેઢીની મર્યાદા' લાગુ કરવામાં આવી હતી.
Canada Citizenship Law: કેનેડા સરકારે નાગરિકતા કાયદાને આધુનિક બનાવવા માટે એક અગત્યનું પગલું ભર્યું છે. સંસદમાં રજૂ કરાયેલા Bill C-3ને હવે શાહી મંજૂરી (Royal Assent) મળી ગઈ છે, જેના કારણે આ કાયદો અમલમાં આવવાથી માત્ર એક જ ડગલું દૂર છે. આ બદલાવનો સીધો ફાયદો ભારતીય મૂળના હજારો પરિવારો સહિત અનેક લોકોને થવાની શક્યતા છે.
શાહી મંજૂરી મળતાં કાયદો અમલમાં આવવા તૈયાર કેનેડા સરકાર દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે નાગરિકતા અધિનિયમ (2025)માં સુધારો કરનાર Bill C-3 ને શાહી મંજૂરી મળી ગઈ છે. આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ઘટના છે, જે નાગરિકતા કાયદાને વધુ સમાવેશી બનાવશે અને કેનેડિયન નાગરિકતાના મૂલ્યને જાળવી રાખશે.
નવા કાયદાથી કોને ફાયદો થશે?
સમાચાર અનુસાર, નવા કાયદાના અમલમાં આવતાની સાથે જ તે બધા લોકોને કેનેડિયન નાગરિકતા પ્રદાન કરવામાં આવશે, જેઓ આ બિલના પ્રભાવમાં આવ્યા પહેલા જન્મેલા છે અને જેઓ પ્રથમ-પેઢીની મર્યાદા અથવા અગાઉના કાયદાઓની જૂની જોગવાઈઓના કારણે નાગરિક બની શક્યા ન હતા.
2009ની 'પ્રથમ-પેઢીની મર્યાદા' શું હતી?
વર્ષ 2009માં કેનેડિયન વંશ દ્વારા નાગરિકતા પર 'પ્રથમ-પેઢીની મર્યાદા' લાગુ કરવામાં આવી હતી. આ મર્યાદાનો અર્થ એ હતો કે જો કોઈ બાળક કેનેડા બહાર જન્મ્યું હોય અથવા દત્તક લેવામાં આવ્યું હોય, અને તેના કેનેડિયન માતા-પિતા પણ કેનેડા બહાર જ જન્મ્યા હોય કે દત્તક લેવાયા હોય, તો તે બાળકને વંશ દ્વારા કેનેડિયન નાગરિક માનવામાં આવતું ન હતું. આ નિયમના કારણે ઘણા ભારતીય મૂળના કેનેડિયન લોકો માટે સમસ્યાઓ ઊભી થઈ હતી, કારણ કે તેમના બાળકો દેશ બહાર જન્મ્યા હતા.
નવો કાયદો કેવી રીતે મદદ કરશે?
નવો કાયદો વિદેશમાં જન્મેલા અથવા દત્તક લેવાયેલા કેનેડિયન માતા-પિતાને આ બિલ અમલમાં આવ્યા બાદ કેનેડા બહાર જન્મેલા અથવા દત્તક લીધેલા તેમના બાળકને નાગરિકતા આપવાની મંજૂરી આપશે. જોકે, આ માટે બાળકનો કેનેડા સાથે "પર્યાપ્ત સંબંધ" હોવો જરૂરી છે. આ ‘પર્યાપ્ત સંબંધ’ શું હશે તેની સ્પષ્ટતા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
આ સુધારો કેનેડાના નાગરિકતા કાયદાને વધુ સમાવેશી બનાવશે અને અગાઉના નિયમોના કારણે નાગરિકતાથી વંચિત રહેલા હજારો પરિવારોને ન્યાય આપશે. ખાસ કરીને ભારતીય મૂળના એવા પરિવારો, જેમના બાળકો પાછલા નિયમોના કારણે નાગરિકતા મેળવી શક્યા ન હતા, તેમને આ નિર્ણયથી મોટી રાહત મળશે.