Private companies shut down: દેશમાં છેલ્લા 5 વર્ષમાં 2 લાખથી વધુ કંપનીઓને તાળા લાગ્યાં! સરકારે લોકસભામાં જણાવ્યું કારણ
Private companies shut down: ભારતમાં છેલ્લા 5 વર્ષમાં 2,04,268 થી વધુ પ્રાઇવેટ કંપનીઓ બંધ થઈ છે. કેન્દ્ર સરકારે લોકસભામાં આ ચોંકાવનારા આંકડા રજૂ કર્યા છે. જાણો કંપનીઓ બંધ થવા પાછળના કારણો અને તેની અસરો વિશે વિગતવાર.
મોટી સંખ્યામાં એવી કંપનીઓ હતી જે લાંબા સમયથી કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરી રહી ન હતી, જેના કારણે તેમને સત્તાવાર રેકોર્ડમાંથી દૂર કરવામાં આવી.
Private companies shut down: ભારતીય કોર્પોરેટ જગતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલી માહિતી મુજબ, છેલ્લા 5 વર્ષમાં દેશભરમાં 2 લાખથી વધુ પ્રાઇવેટ કંપનીઓ બંધ થઈ ગઈ છે. કોર્પોરેટ બાબતોના રાજ્ય મંત્રી હર્ષ મલ્હોત્રાએ એક લેખિત જવાબમાં જણાવ્યું કે કંપની એક્ટ, 2013 હેઠળ કુલ 2,04,268 કંપનીઓએ પોતાનો કારોબાર સમેટી લીધો છે.
કંપનીઓ શા માટે બંધ થઈ રહી છે?
સરકારના જણાવ્યા અનુસાર, કંપનીઓ બંધ થવા પાછળ કોઈ એક કારણ જવાબદાર નથી. તેના મુખ્ય કારણો નીચે મુજબ છે:
મર્જર અને કન્વર્ઝન: ઘણી કંપનીઓ અન્ય મોટી કંપનીઓમાં ભળી ગઈ અથવા તેમનું સ્વરૂપ બદલાયું.
સ્વૈચ્છિક બંધ: કેટલીક કંપનીઓના માલિકોએ પોતાની ઇચ્છાથી ધંધો આગળ ન ચલાવવાનો નિર્ણય કર્યો.
નિષ્ક્રિયતા: મોટી સંખ્યામાં એવી કંપનીઓ હતી જે લાંબા સમયથી કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરી રહી ન હતી, જેના કારણે તેમને સત્તાવાર રેકોર્ડમાંથી દૂર કરવામાં આવી.
કયા વર્ષે કેટલી કંપનીઓ પર તાળાં લાગ્યાં?
સરકાર દ્વારા રજૂ કરાયેલા આંકડા ખૂબ જ ચોંકાવનારા છે. નાણાકીય વર્ષ પ્રમાણે બંધ થયેલી કંપનીઓની સંખ્યા નીચે મુજબ છે:
2020-21: 15,216 કંપનીઓ
2021-22: 64,054 કંપનીઓ
2022-23: 83,452 કંપનીઓ (સૌથી વધુ)
2023-24: 21,181 કંપનીઓ
2024-25: 20,365 કંપનીઓ
આમ, 2020-21 થી 2024-25 સુધીમાં કુલ 2,04,268 કંપનીઓ બંધ થઈ.
શું આ બધી શેલ કંપનીઓ હતી?
જ્યારે મંત્રીને પૂછવામાં આવ્યું કે શું આ કંપનીઓ શેલ કંપનીઓ (ફક્ત કાગળ પર ચાલતી કંપનીઓ) હતી અને મની લોન્ડરિંગ માટે વપરાતી હતી, ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું કે કંપની એક્ટ, 2013માં "શેલ કંપની" શબ્દની કોઈ વ્યાખ્યા નથી. તેમણે ઉમેર્યું કે 2022-23માં સરકારે નિષ્ક્રિય કંપનીઓ વિરુદ્ધ એક ખાસ સ્ટ્રાઇક-ઓફ અભિયાન ચલાવ્યું હતું, જે દરમિયાન સૌથી વધુ 82,125 કંપનીઓને રેકોર્ડમાંથી હટાવવામાં આવી હતી.
કર્મચારીઓનું શું થશે?
આટલી મોટી સંખ્યામાં કંપનીઓ બંધ થવાથી હજારો કર્મચારીઓની નોકરી પર અસર પડી હશે. આ અંગે જ્યારે સરકારને તેમના પુનર્વસન વિશે પૂછવામાં આવ્યું, ત્યારે રાજ્ય મંત્રી હર્ષ મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું કે સરકાર પાસે હાલમાં આવો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી.