ઈન્ટરનેટ પર અત્યાર સુધીનો સૌથી મોટો ડેટા લીક: 1.3 બિલિયન પાસવર્ડ અને 2 બિલિયન ઈમેલ જાહેર, તમારો ડેટા સુરક્ષિત છે?
Cyber Security: ઇન્ટરનેટ પર 1.3 બિલિયન પાસવર્ડ અને 2 બિલિયન ઈમેલ લીક થયા છે. જાણો આ અત્યાર સુધીના સૌથી મોટા ડેટા લીકથી પોતાને કેવી રીતે બચાવશો અને ડિજિટલી સુરક્ષિત રહેવાના સરળ ઉપાયો.
સાયબર સુરક્ષા પર નજર રાખતી પ્રખ્યાત વેબસાઈટ 'Have I Been Pwned'ના સ્થાપક ટ્રોય હંટે આ ડેટા લીકની પુષ્ટિ કરી છે.
Cyber Security: ડિજિટલ દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. ઇન્ટરનેટના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી મોટા ડેટા લીકમાં 1.3 બિલિયન પાસવર્ડ અને લગભગ 2 બિલિયન જેટલા ઈમેલ એડ્રેસ ઓનલાઈન જાહેર થઈ ગયા છે. આ ઘટનાને કારણે કરોડો લોકોના બેંક એકાઉન્ટ્સ, સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ અને અંગત માહિતી પર ગંભીર ખતરો ઉભો થયો છે. સુરક્ષા નિષ્ણાતોના મતે, જો તમારો પાસવર્ડ વર્ષો પહેલા પણ ચોરી થયો હોય, તો પણ તે આ લિસ્ટમાં હોઈ શકે છે.
આ ડેટા લીક કેટલો ગંભીર છે?
ઓનલાઈન લીક થયેલા ડેટામાં 1.3 બિલિયન યુનિક એટલે કે ક્યારેય પુનરાવર્તિત ન થયા હોય તેવા પાસવર્ડ અને 1,95,74,76,021 ઈમેલ એડ્રેસ સામેલ છે. અહીં નોંધવા જેવી વાત એ છે કે આ બધો ડેટા એક જ સમયે હેક નથી થયો. સાયબર સિક્યોરિટી ફર્મ 'Synthient' દ્વારા જૂના અને નવા હેકિંગના ડેટાને ભેગા કરીને તેમાંથી ડુપ્લિકેટ માહિતી દૂર કરવામાં આવી છે, જેથી ચોક્કસ આંકડો સામે આવી શકે.
નવા પાસવર્ડ પણ થયા લીક, જોખમ વધ્યું
સાયબર સુરક્ષા પર નજર રાખતી પ્રખ્યાત વેબસાઈટ 'Have I Been Pwned'ના સ્થાપક ટ્રોય હંટે આ ડેટા લીકની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે આ લીકમાં 625 મિલિયન એવા પાસવર્ડ પણ સામેલ છે, જે અગાઉ ક્યારેય કોઈ પણ ડેટા લીકમાં જોવા મળ્યા ન હતા. આનો અર્થ એ છે કે જે લોકો માનતા હતા કે તેઓ અત્યાર સુધી સુરક્ષિત હતા, તેમના માટે પણ હવે ખતરો ઉભો થયો છે. જો તમે ભૂતકાળમાં તમારો પાસવર્ડ બદલ્યો હોય, તો પણ ફરીથી તપાસ કરવાની જરૂર છે.
શા માટે આ બાબત તમારા માટે ચિંતાજનક છે?
આપણામાંથી મોટાભાગના લોકો એક સામાન્ય ભૂલ કરે છે - તેઓ એક જ પાસવર્ડ તેમના ઈમેલ, બેંકિંગ, શોપિંગ એપ્સ અને સોશિયલ મીડિયા જેવા અનેક પ્લેટફોર્મ પર વાપરે છે. હેકર્સ માટે આ લીક થયેલો ડેટા કોઈ "સોનાની ખાણ" થી ઓછો નથી. તેઓ આ પાસવર્ડનો ઉપયોગ કરીને તમારા અન્ય એકાઉન્ટ્સમાં લોગ-ઇન કરવાનો પ્રયાસ કરી શકે છે. આનાથી ઓળખની ચોરી (Identity Theft), ફિશિંગ એટેક અને નાણાકીય છેતરપિંડી જેવી ગંભીર ઘટનાઓ બની શકે છે.
ગભરાવાની જરૂર નથી. કેટલીક સરળ સાવચેતીઓ રાખીને તમે તમારી જાતને સુરક્ષિત કરી શકો છો:
પાસવર્ડ ચેક કરો: 'Have I Been Pwned' વેબસાઈટ પર એક ખાસ પાસવર્ડ ટૂલ છે. અહીં તમારે તમારું ઈમેલ આઈડી નાખવાની જરૂર નથી. ફક્ત તમે જે પાસવર્ડ વાપરો છો તે નાખીને ચેક કરી શકો છો કે તે લીક થયો છે કે નહીં.
તરત જ પાસવર્ડ બદલો: જો તમારો પાસવર્ડ લીક થયેલા ડેટામાં જોવા મળે, તો તરત જ તેને બદલી નાખો. એટલું જ નહીં, તમે જે પણ જગ્યાએ એ જ પાસવર્ડ વાપરતા હોવ, ત્યાં પણ નવો અને મજબૂત પાસવર્ડ સેટ કરો.
ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) ચાલુ કરો: આ સુરક્ષાનું એક વધારાનું સ્તર છે. જ્યારે પણ તમે લોગ-ઇન કરશો, ત્યારે પાસવર્ડ ઉપરાંત તમારા મોબાઇલ પર એક OTP આવશે. લગભગ બધી જ વેબસાઇટ્સ અને એપ્સ હવે આ સુવિધા આપે છે.
પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરો: મજબૂત અને અલગ-અલગ પાસવર્ડ યાદ રાખવા મુશ્કેલ હોય છે. આ માટે તમે પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરી શકો છો. મોટાભાગના સ્માર્ટફોનમાં આ સુવિધા ઇન-બિલ્ટ હોય છે.
પાસકી (Passkey) અપનાવો: આ પાસવર્ડનું ભવિષ્ય છે. પાસકી વધુ સુરક્ષિત છે કારણ કે તેમાં પાસવર્ડ યાદ રાખવાની જરૂર નથી. તમારો ચહેરો અથવા ફિંગરપ્રિન્ટ જ તમારો પાસવર્ડ બની જાય છે.
સાવચેતી રાખો: તમારા કમ્પ્યુટર અને મોબાઇલમાં એન્ટીવાયરસ સોફ્ટવેર અપડેટ રાખો અને કોઈ પણ અજાણ્યા કે શંકાસ્પદ ઈમેલ પર ક્લિક કરવાનું ટાળો.