Stock market scam: મુંબઈના 72 વર્ષીય વૃદ્ધ ભરત શહા સાથે 35 કરોડ રૂપિયાની વિશાળ નાણાકીય છેતરપિંડી. જાણો કેવી રીતે એક બ્રોકરેજ ફર્મે 'સુરક્ષિત ટ્રેડિંગ'ના નામે તેમનો વિશ્વાસ જીતીને 4 વર્ષ સુધી તેમના ડીમેટ ખાતાનો દુરુપયોગ કર્યો અને કરોડોનું નુકસાન પહોંચાડ્યું. આ સમગ્ર મામલો અને તેનાથી બચવા માટેની સાવચેતીઓ વિશે વાંચો.
ભરત શહાએ આ સમગ્ર મામલાને એક સંગઠિત નાણાકીય છેતરપિંડી ગણાવીને વનરાઈ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે.
Stock market scam: મુંબઈના માટુંગા વિસ્તારમાં રહેતા 72 વર્ષીય ભરત હરકચંદ શહા સાથે એક ચોંકાવનારી ઘટના બની છે, જે કોઈના પર પણ આંધળો વિશ્વાસ કરતા પહેલા સો વાર વિચારવા મજબૂર કરી દેશે. ગોરેગાંવ સ્થિત 'ગ્લોબ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ' નામની બ્રોકરેજ ફર્મે કથિત રીતે તેમનો વિશ્વાસ જીતીને લગભગ 35 કરોડ રૂપિયાનો ચૂનો લગાવી દીધો. આ મામલે FIR દાખલ થઈ છે અને હવે આર્થિક ગુના શાખા (EOW) આ કેસની તપાસ કરી રહી છે.
વિશ્વાસની શરૂઆત અને છેતરપિંડીનો પાયો
ભરત શહા, જેઓ છેલ્લા પાંચ દાયકાથી કેન્સરના દર્દીઓ માટે એક ગેસ્ટ હાઉસ ચલાવે છે, તેમને શેરબજારનું ઝાઝું જ્ઞાન નહોતું. 1984માં પિતાના નિધન બાદ વારસામાં તેમને અને તેમની પત્નીને મોટા પ્રમાણમાં શેર મળ્યા હતા. વર્ષ 2020માં એક મિત્રની સલાહ પર તેમણે આ શેર ગ્લોબ કેપિટલ માર્કેટ્સમાં ટ્રાન્સફર કરીને પોતાનું અને પત્નીનું ડીમેટ ખાતું ખોલાવ્યું.
શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું. કંપનીના કર્મચારીઓએ શહાને ભરોસો અપાવ્યો કે તેમને ટ્રેડિંગ માટે નવા પૈસા રોકવાની જરૂર નથી. તેમના હાલના શેર પર જ સુરક્ષિત ટ્રેડિંગ કરીને નિયમિત નફો કમાઈ શકાય છે. આ માટે કંપનીએ અક્ષય બારિયા અને કરણ સિરોયા નામના બે કર્મચારીઓને તેમના પર્સનલ ગાઈડ તરીકે નિયુક્ત કર્યા.
ખાતા પર સંપૂર્ણ કંટ્રોલ અને નકલી નફાનો દેખાડો
ફરિયાદ મુજબ, આ બન્ને કર્મચારીઓએ ધીમે-ધીમે શહાના એકાઉન્ટ પર સંપૂર્ણ કંટ્રોલ મેળવી લીધો. પરિસ્થિતિ એવી બની ગઈ કે શહાના મોબાઈલ પર આવતા OTPથી લઈને તેમના ઈમેઈલ અને SMS સુધીની દરેક વસ્તુ આ કર્મચારીઓ જ હેન્ડલ કરતા હતા. તેઓ ઘરે આવીને શહાના લેપટોપનો ઉપયોગ કરીને ટ્રેડ કરતા અને ઈમેઈલનો જવાબ પણ પોતે જ આપતા.
માર્ચ 2020થી જૂન 2024 સુધી, એટલે કે લગભગ 4 વર્ષ સુધી, શહાને જે પણ સ્ટેટમેન્ટ મોકલવામાં આવતા હતા, તેમાં સતત નફો દેખાડવામાં આવતો હતો. આ કારણે શહાને ક્યારેય શંકા ન ગઈ કે પડદા પાછળ તેમના ખાતા સાથે કોઈ મોટો ખેલ ચાલી રહ્યો છે.
4 વર્ષ પછીનો મોટો ઝટકો: 35 કરોડનું દેવું
આ સમગ્ર ખેલનો પર્દાફાશ જુલાઈ 2024માં થયો, જ્યારે ગ્લોબ કેપિટલના રિસ્ક મેનેજમેન્ટ વિભાગમાંથી શહાને ફોન આવ્યો. તેમને જણાવવામાં આવ્યું કે તેમના અને તેમની પત્નીના ખાતા પર 35 કરોડ રૂપિયાનું ડેબિટ બેલેન્સ છે. જો આ રકમ તાત્કાલિક નહીં ભરવામાં આવે, તો તેમના બધા શેર વેચી દેવામાં આવશે. આ સાંભળીને શહાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમણે કંપનીમાં જઈને તપાસ કરી તો જાણવા મળ્યું કે તેમના ખાતામાંથી તેમની જાણ બહાર કરોડો રૂપિયાના શેર વેચી દેવાયા હતા અને ભારે માત્રામાં ટ્રેડિંગ કરવામાં આવ્યું હતું.
જ્યારે સત્ય સામે આવ્યું
પરિવારની સલાહ લઈને શહાએ દેવું ચૂકવવા માટે પોતાના બાકીના શેર બજારમાં વેચી દીધા અને 35 કરોડ રૂપિયાની ચુકવણી કરી. ત્યારબાદ, જ્યારે તેમણે કંપનીની વેબસાઈટ પરથી ઓરિજિનલ સ્ટેટમેન્ટ ડાઉનલોડ કર્યા અને જૂના ઈમેઈલમાં મળેલા સ્ટેટમેન્ટ સાથે સરખાવ્યા, ત્યારે આખી છેતરપિંડી સામે આવી.
બંને સ્ટેટમેન્ટમાં જમીન-આસમાનનો તફાવત
વાસ્તવિક ટ્રેડિંગમાં મોટું નુકસાન થયું હતું, જ્યારે ઈમેઈલમાં નફો દર્શાવવામાં આવ્યો હતો. કંપનીને NSE તરફથી મળેલી નોટિસના જવાબો પણ શહાના નામે તેમની જાણ બહાર જ આપી દેવાયા હતા.
ભરત શહાએ આ સમગ્ર મામલાને એક સંગઠિત નાણાકીય છેતરપિંડી ગણાવીને વનરાઈ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. પોલીસે IPCની કલમ 409 (વિશ્વાસઘાત), 420 (છેતરપિંડી), 465 (બનાવટ), અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ EOW ને સોંપી છે.
આ કિસ્સો દરેક રોકાણકાર માટે લાલબત્તી સમાન છે. કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા પર આંધળો વિશ્વાસ કરતા પહેલા હંમેશા સાવચેત રહો અને તમારા નાણાકીય ખાતાઓની નિયમિતપણે જાતે જ ચકાસણી કરતા રહો. તમારો OTP અને પાસવર્ડ ક્યારેય કોઈની સાથે શેર ન કરો, ભલે તે વ્યક્તિ ગમે તેટલો વિશ્વાસુ કેમ ન હોય.