વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે દાવો કર્યો છે કે યુએસ ટેરિફ છતાં, આ વર્ષે નિકાસ ગયા વર્ષ કરતા વધુ રહેશે. દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન ગોયલે કહ્યું કે આપણે આપણી નિકાસ બાસ્કેટનો વિસ્તાર કરવો પડશે જેથી કોઈ એક દેશના એકપક્ષીય નિર્ણયની આપણા પર અસર ન પડે. ગોયલે આશા વ્યક્ત કરી છે કે GST સુધારાથી સ્થાનિક માંગમાં પણ વધારો થશે. ગોયલે વધુમાં કહ્યું કે અત્યાર સુધી કોઈ પણ ક્ષેત્રે આક્રોશ વ્યક્ત કર્યો નથી. ગયા નાણાકીય વર્ષમાં, ભારતની કુલ નિકાસ $824.9 બિલિયનના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. ગોયલે કહ્યું કે સરકાર ટૂંક સમયમાં નિકાસને વેગ આપવા માટે ઘણા પગલાં લેશે.
તેમણે વધુમાં જણાવ્યું કે નિકાસ વધારવા માટે યુરોપિયન યુનિયન સાથે FTA પર વાતચીત ચાલી રહી છે. કતાર, ન્યુઝીલેન્ડ, પેરુ અને ચિલી સાથે પણ ટૂંક સમયમાં સોદા કરવામાં આવશે. હાલમાં, યુએસ ટેરિફને કારણે કોઈ ખાસ ચિંતા નથી. કેન્દ્રીય મંત્રીએ રાજધાની દિલ્હીમાં ભારત બિલ્ડકોનના કર્ટેન રેઝર કાર્યક્રમને સંબોધિત કરતી વખતે આ વાતો કહી હતી.
તમને જણાવી દઈએ કે સરકારે ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માં $1 ટ્રિલિયનની નિકાસનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. અત્યાર સુધીના આંકડા દર્શાવે છે કે જુલાઈ 2025 માં કુલ નિકાસ $68.25 બિલિયન હતી. જે ગયા વર્ષના સમાન મહિનામાં 65.31 અરબ ડૉલર કરતાં વધારે છે.
સરકારી આંકડા અનુસાર, ગયા નાણાકીય વર્ષમાં ભારતની કુલ નિકાસ $824.9 બિલિયનના સર્વકાલીન ઉચ્ચ સ્તરે હતી. આ 2023-24 માં $778.1 બિલિયનની નિકાસની તુલનામાં 6.01 ટકાનો વધારો હતો.