વોટ્સએપ, ટેલિગ્રામ સહિતના મેસેજિંગ એપ્સ માટે સરકારનો મોટો નિર્ણય, એક્ટિવ સિમ વિના નહીં ચાલે એકાઉન્ટ, 6 કલાકે થશે ઓટોમેટિક લોગઆઉટ
WhatsApp rules: ભારત સરકારે વોટ્સએપ, ટેલિગ્રામ સહિતના લોકપ્રિય મેસેજિંગ એપ્સ માટે નવા નિયમો લાગુ કર્યા છે. હવે આ એપ્સનો ઉપયોગ કરવા માટે ફોનમાં એક્ટિવ સિમ કાર્ડ હોવું ફરજિયાત બનશે, અને વેબ વર્ઝન દર 6 કલાકે ઓટોમેટિક લોગઆઉટ થશે. જાણો આ મોટા ફેરફાર અને તેની પાછળનો હેતુ.
નવા નિર્દેશ મુજબ, વોટ્સએપને હવે 'ટેલિકમ્યુનિકેશન આઇડેન્ટિફાયર યુઝર એન્ટિટી' તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે.
Messaging app: ભારતમાં કરોડો લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સ જેવી કે વોટ્સએપ, ટેલિગ્રામ, જિયો ચેટ, સિગ્નલ અને Arrataiના સંચાલનના નિયમોમાં કેન્દ્ર સરકારે એક મોટો ફેરફાર કર્યો છે. હવે આ એપ્સનો ઉપયોગ કરવા માટે તમારા ફોનમાં સક્રિય સિમ કાર્ડ હોવું ફરજિયાત બનશે. સરકારનો આ નિર્ણય ડિજિટલ પ્લેટફોર્મ પર સતત વધી રહેલા ઓનલાઈન ફ્રોડ અને સ્પામને રોકવા માટે લેવામાં આવ્યો છે.
શું છે નવો નિયમ?
દૂરસંચાર વિભાગ (DoT) દ્વારા જારી કરાયેલા 'ટેલિકમ્યુનિકેશન સાયબર સિક્યોરિટી એમેન્ડમેન્ટ રૂલ, 2025' મુજબ, હવે દરેક વોટ્સએપ એકાઉન્ટ અને અન્ય સંબંધિત એપ્સ ને દરેક સમયે એક એક્ટિવ સિમ કાર્ડ સાથે જોડેલું રાખવું આવશ્યક છે. આ એક પ્રકારનું 'સિમ બાઈન્ડિંગ' છે, જેનો અર્થ છે કે એપ હંમેશા એ તપાસતી રહેશે કે સિમ કાર્ડ ડિવાઇસમાં છે અને સક્રિય છે.
દર 6 કલાકે ઓટોમેટિક લોગઆઉટ થશે વેબ વર્ઝન
આ નવા નિયમોમાં એક મહત્વપૂર્ણ ફેરફાર એપના વેબ વર્ઝન માટે પણ કરવામાં આવ્યો છે. હવે વેબ વર્ઝનનો ઉપયોગ કરનારા યુઝર્સને દર 6 કલાકે ઓટોમેટિકલી લોગઆઉટ કરવામાં આવશે. એપ્લિકેશન્સને ફરીથી ઉપયોગ કરવા માટે, યુઝર્સે QR કોડ સ્કેન કરીને ફરીથી પ્રમાણીકરણ કરવું પડશે. અધિકારીઓનું માનવું છે કે આ નિયમો લાગુ થવાથી સાયબર ગુનેગારો માટે તેમની ઓળખ છુપાવવી અથવા નિષ્ક્રીય સિમ કાર્ડનો લાભ લઈને લોકોને છેતરવા મુશ્કેલ બનશે.
વોટ્સએપને હવે ટેલિકોમ કંપનીઓ જેવા નિયમોનું પાલન કરવું પડશે
નવા નિર્દેશ મુજબ, વોટ્સએપને હવે 'ટેલિકમ્યુનિકેશન આઇડેન્ટિફાયર યુઝર એન્ટિટી' તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. ભારતીય દૂરસંચાર કાયદા હેઠળ આ એક નવી શ્રેણી છે, જે મોબાઈલ ઓપરેટરોથી અલગ નિયમનકારી દેખરેખને વિસ્તૃત કરે છે. આનો અર્થ એ છે કે વોટ્સએપ જેવી એપ્સને પણ હવે દૂરસંચાર કંપનીઓની જેમ સાયબર સુરક્ષા અને વેરિફિકેશન સંબંધિત નિયમોનું પાલન કરવું પડશે.
ફ્રોડ રોકવામાં મદદ કરશે
સરકારનું કહેવું છે કે આ પગલાંથી છેતરપિંડીભર્યા સંચારને ઓળખવા અને તેનો ટ્રેક કરવો સરળ બનશે. સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (COAI) એ આ અંગે જણાવ્યું હતું કે, "ગ્રાહકની એપ-આધારિત સંચાર સેવા અને તેમના સિમ કાર્ડ વચ્ચે જોડાણ ફક્ત ઇન્સ્ટોલેશન દરમિયાન એક જ વાર થાય છે, ત્યારબાદ એપ સ્વતંત્ર રીતે કાર્ય કરવાનું ચાલુ રાખે છે. આનાથી તેના દુરુપયોગની સંભાવના વધી જાય છે." નવા નિયમો આ ખામીને દૂર કરશે.
અપડેટ માટે 90 દિવસનો સમય હાલમાં, વોટ્સએપ અને અન્ય મેસેજિંગ એપ્સને આ ફેરફારો લાગુ કરવા માટે 90 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો આ ફેરફારો આયોજન મુજબ લાગુ થાય છે, તો નજીકના ભવિષ્યમાં યુઝર્સને જાણ થશે કે તેમનું વોટ્સએપ એકાઉન્ટ ફક્ત તેમના સક્રિય સિમ કાર્ડ સાથે જ કામ કરે છે અને કનેક્ટેડ રહેવા માટે તેમને કેટલીક વધારાની લોગિન પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડી શકે છે. આનાથી ડિજિટલ વ્યવહારોમાં સુરક્ષા વધશે અને ઓનલાઈન ફ્રોડનું જોખમ ઘટશે એવી અપેક્ષા છે.