Russian Crude to India: પશ્ચિમી દેશોના કડક પ્રતિબંધોને કારણે ડિસેમ્બર 2023માં ભારતની રશિયન ક્રૂડ તેલની આયાત 3 વર્ષના તળિયે પહોંચવાનો અંદાજ છે. જાણો શું છે તેની પાછળનું કારણ અને ભારતીય રિફાઇનરોની નવી વ્યૂહરચના.
નવેમ્બરમાં, ભારતની રશિયન ક્રૂડ તેલની ખરીદી આશરે 1.87 મિલિયન બેરલ પ્રતિ દિન હતી, જે અનેક મહિનાઓની ઊંચી સપાટી હતી.
Russian Crude to India: તાજેતરના અહેવાલો અનુસાર, ડિસેમ્બર મહિનામાં ભારત દ્વારા રશિયન ક્રૂડ તેલની આયાત છેલ્લા 3 વર્ષની સૌથી નીચી સપાટીએ પહોંચવાનો અંદાજ છે. પશ્ચિમી દેશો દ્વારા 21 નવેમ્બરથી રશિયાની બે મુખ્ય ઓઇલ સપ્લાય કરતી કંપનીઓ પર લાદવામાં આવેલા કડક પ્રતિબંધો આ માટે મુખ્ય કારણભૂત છે. આ પ્રતિબંધોના કારણે ભારતીય રિફાઇનરો માટે રશિયન ક્રૂડ તેલ ખરીદવું મુશ્કેલ બની ગયું છે.
પ્રતિબંધોની સીધી અસર
રશિયાની મોટી ઓઇલ કંપનીઓ રોઝનેફ્ટ (Rosneft) અને લુકઓઈલ (Lukoil) પર પશ્ચિમી દેશોના પ્રતિબંધો લાગુ પડતાં ભારતના રિફાઇનરો હવે તેમની જરૂરિયાત પૂરી કરવા માટે અન્ય દેશો તરફ નજર દોડાવી રહ્યા છે. યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ અમેરિકા, બ્રિટન અને યુરોપ સહિતના પશ્ચિમી દેશો રશિયા સામે કડક વલણ અપનાવી રહ્યા છે. એક રિફાઇનરી કંપનીના અધિકારીએ જણાવ્યું હતું કે, "પશ્ચિમી દેશો બેંકોના વ્યવહારો પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે, જેના કારણે ભારતના ખરીદદારો અત્યંત સાવચેત બન્યા છે."
આયાતના આંકડામાં મોટો ઘટાડો
નવેમ્બરમાં, ભારતની રશિયન ક્રૂડ તેલની ખરીદી આશરે 1.87 મિલિયન બેરલ પ્રતિ દિન હતી, જે અનેક મહિનાઓની ઊંચી સપાટી હતી. તેની સરખામણીમાં, ડિસેમ્બરમાં આ આંકડો ઘટીને 600,000થી 650,000 બેરલ પ્રતિ દિન પર આવી જવાનો અંદાજ છે, જે એક મોટો ઘટાડો દર્શાવે છે. ઓક્ટોબર મહિનામાં, રશિયા ખાતેથી ભારતની ક્રૂડ તેલની આયાત 1.65 મિલિયન બેરલ પ્રતિ દિન રહી હતી.
ભારતીય રિફાઇનરોનું વલણ
પ્રાપ્ત અહેવાલો મુજબ, ભારતની 5 જેટલી મોટી રિફાઇનરીઓએ ડિસેમ્બર ડિલિવરી માટે રશિયાની કંપનીઓ સાથે કોઈ નવા કરાર કર્યા નથી. ભારતીય રિફાઇનરોએ રોઝનેફ્ટ અને લુકઓઈલ સાથે નવા સોદા કરવાનું ટાળ્યું છે, જે દર્શાવે છે કે તેઓ પ્રતિબંધોના કારણે ઊભી થયેલી અવરોધોને ગંભીરતાથી લઈ રહ્યા છે.
અમેરિકન ક્રૂડ તરફ વલણ
રશિયન ક્રૂડની આયાત ઘટવાની સાથે, ઓક્ટોબરમાં ભારતની કુલ ક્રૂડ તેલની આયાતમાં અમેરિકાના ક્રૂડનો હિસ્સો વધ્યો છે, જે 2024ના જૂન બાદની સૌથી ઊંચી સપાટી છે. ભારતના માલસામાન પર 50% ટેરિફને કારણે અમેરિકા પાસેથી ક્રૂડ તેલ ખરીદવા માટે ભારત પર દબાણ વધી રહ્યું છે.
યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા વિવિધ પ્રતિબંધોને કારણે રશિયાનું ક્રૂડ ઓઇલ સસ્તું મળવા લાગ્યું હતું. પરિણામે, ભારત રશિયન ક્રૂડ તેલનું સૌથી મોટો ખરીદદાર દેશ બની ગયો હતો. જોકે, હવે બદલાયેલી પરિસ્થિતિમાં ભારતને પોતાની તેલ સપ્લાય ચેઇનમાં ફેરફાર કરવાની ફરજ પડી રહી છે.