Adani Power: અદાણી પાવરે રવિવારે જણાવ્યું હતું કે તેણે ઝારખંડના ગોડ્ડા ખાતેના તેના પાવર જનરેશન પ્લાન્ટમાંથી બાંગ્લાદેશને પાવર સપ્લાય કરવાનું શરૂ કર્યું છે. અદાણી ગ્રૂપની કંપની અદાણી પાવર લિમિટેડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઝારખંડના ગોડ્ડા ખાતે 800 મેગાવોટ ક્ષમતાના પ્રથમ થર્મલ પાવર યુનિટે ઉત્પાદન શરૂ કર્યું છે. આ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતી 748 મેગાવોટ વીજળી કંપનીના કરાર મુજબ બાંગ્લાદેશ મોકલવામાં આવી રહી છે.
કંપનીએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશને ગોડ્ડા પ્લાન્ટમાંથી પાવર સપ્લાય કરવાથી પાડોશી દેશમાં પાવરની સ્થિતિમાં સુધારો થશે કારણ કે તેનાથી ત્યાં ખરીદેલી વીજની સરેરાશ કિંમતમાં ઘટાડો થશે.
અદાણી પાવરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એસબી ખૈલિયાએ જણાવ્યું હતું કે, “ગોડ્ડા પાવર પ્લાન્ટ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના લાંબા ગાળાના સંબંધોમાં વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે.
નવેમ્બર 2017 માં, બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડે અદાણી પાવર ઝારખંડ લિમિટેડ, અદાણી પાવરની પેટાકંપની સાથે 1,496 મેગાવોટના પાવર ખરીદી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર હેઠળ, ગોડ્ડામાં 800 મેગાવોટના બે પ્રોજેક્ટ સ્થાપવાના હતા.
અદાણી પાવરે જણાવ્યું હતું કે ગોડ્ડા પ્લાન્ટના પ્રથમ યુનિટે ઉત્પાદન શરૂ કર્યાના પ્રથમ દિવસથી જ સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરવાનું શરૂ કર્યું છે. દેશમાં આ પ્રકારનો આ પહેલો પાવર પ્લાન્ટ છે. કંપનીએ કહ્યું કે આ પ્લાન્ટનું 800 મેગાવોટ ક્ષમતાનું બીજું યુનિટ પણ ટૂંક સમયમાં ઉત્પાદન શરૂ કરે તેવી અપેક્ષા છે.