2027 સુધીમાં ક્રૂડ ઓઈલ 30 ડોલર સુધી ઘટી શકે, JP મોર્ગનની ચોંકાવનારી આગાહી, ભારતને કઈ રીતે થશે અસર?
Crude oil price forecast: JP મોર્ગને 2027 સુધીમાં બ્રેન્ટ ક્રૂડ $30 પ્રતિ બેરલ સુધી ઘટી શકે તેવી આગાહી કરી છે. જાણો કેવી રીતે આ ભાવ ઘટાડો ભારતીય અર્થતંત્ર અને મુખ્ય ઉદ્યોગોને કરોડોનો ફાયદો કરાવશે અને ગ્રાહકોને પણ રાહત આપશે.
ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો ભારત માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. ભારત તેની મોટાભાગની ક્રૂડ જરૂરિયાત આયાત કરે છે.
Crude oil price forecast: વિશ્વભરમાં ક્રૂડ ઓઈલના ભાવમાં આગામી સમયમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. બજારમાં સપ્લાય વધવાને કારણે 2027 સુધીમાં ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ $30 સુધી ઘટી શકે છે તેવી મોટી આગાહી JP મોર્ગને કરી છે. આ સમાચાર ભારત સહિત અનેક દેશો માટે સારા સંકેત આપી રહ્યા છે.
તાજેતરના રિપોર્ટ અનુસાર, JP મોર્ગનનો અંદાજ છે કે 2027 સુધીમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો સપ્લાય એટલો વધી જશે કે તેની કિંમત પ્રતિ બેરલ $30 સુધી પહોંચી શકે છે. આના પહેલા, 2026માં બ્રેન્ટ ક્રૂડ $60 નીચે આવીને વર્ષના અંત સુધીમાં $50ની રેન્જમાં આવી શકે છે.
બજારમાં વધારાનો સપ્લાય બનશે ભાવ ઘટાડાનું કારણ
2027માં પરિસ્થિતિ વધુ સ્પષ્ટ થવાની શક્યતા છે, જ્યાં વધતા સપ્લાય અને સરપ્લસને કારણે બ્રેન્ટનો સરેરાશ ભાવ $42 સુધી પહોંચી શકે છે. ગોલ્ડમેન સાક્સે પણ તેના રિપોર્ટમાં ચેતવણી આપી છે કે યુએસ બેન્ચમાર્ક WTI ક્રૂડનો સરેરાશ ભાવ 2026માં $53 થઈ શકે છે. હાલમાં, બજારમાં દરરોજ આશરે 20 લાખ બેરલનો સરપ્લસ સપ્લાય જોવા મળી રહ્યો છે, જે 2026માં વધીને 28 લાખ બેરલ પ્રતિ દિવસ થઈ શકે છે. જોકે, ગોલ્ડમેન સાક્સે ભવિષ્યવાણી કરી છે કે 2027માં બજાર ફરી સંતુલિત થઈ શકે છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 14 ટકાનો ઘટાડો નોંધાયો છે.
ભારતને થશે સીધો અને મોટો ફાયદો
ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો ભારત માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. ભારત તેની મોટાભાગની ક્રૂડ જરૂરિયાત આયાત કરે છે. એટલું જ નહીં, બેરલ દીઠ $1નો ઘટાડો ભારતની ચાલુ ખાતાની ખાધ (CAD)માં વાર્ષિક આશરે $1.5 થી $1.6 અબજનો ઘટાડો કરે છે. આ ઉપરાંત, પ્રતિ બેરલ $10ના ઘટાડાથી ચાલુ ખાતાની ખાધને જીડીપીના 0.5 ટકા સુધી સુધારી શકાય છે.
કયા ક્ષેત્રોને મળશે સૌથી વધુ લાભ?
ક્રૂડ ઓઈલના ભાવ ઘટવાથી ભારતના અનેક ઉદ્યોગોને સીધો ફાયદો થશે:
રિફાઇનરી અને માર્કેટિંગ કંપનીઓ: HPCL, BPCL અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન જેવી કંપનીઓને ઓછા ઇનપુટ ખર્ચનો ફાયદો મળશે, જેનાથી તેમનું રિફાઇનિંગ અને માર્કેટિંગ માર્જિન વધશે.
ટાયર કંપનીઓ: એપોલો ટાયર્સ, જેકે ટાયર, MRF જેવી કંપનીઓ તેમના કુલ ખર્ચના 50 ટકા સિન્થેટિક રબર અને કાર્બન બ્લેક જેવા ક્રૂડ-આધારિત કાચા માલ પર ખર્ચ કરે છે. ભાવ ઘટવાથી તેમને સીધો લાભ મળશે.
પેઈન્ટ કંપનીઓ: એશિયન પેઇન્ટ્સ, બર્જર પેઇન્ટ્સ, કાન્સાઇ નેરોલેક, પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓના કુલ ખર્ચમાં 30 થી 40 ટકા હિસ્સો ક્રૂડ ઓઈલનો હોય છે, જેથી તેમની પડતર ઘટતા માર્જિનમાં સુધારો થશે.
એવિએશન સેક્ટર: ઇન્ડિગો અને સ્પાઇસજેટ જેવી એરલાઈન્સ કંપનીઓ માટે ફ્યુઅલ ખર્ચ મોટો ભાગ હોય છે. સસ્તા ક્રૂડથી તેમને સૌથી વધુ નોંધપાત્ર લાભ મળશે.
આ ભાવ ઘટાડો ભારતીય અર્થતંત્રને મજબૂત કરશે અને ગ્રાહકોને પણ ઇંધણ અને અન્ય ઉત્પાદનોમાં રાહતનો અનુભવ કરાવશે.