ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA) તેના તાજા આંકડામાં કહ્યું છે કે જાન્યુઆરી 2024માં ઘરેલૂ એર પેસેન્જર ટ્રાફિક 4.7 ટકા વધીને 1.3 કરોડ પર પહોંચ્યો છે. ડીજીસીએના ડેટા અનુસાર દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગો (IndiGo)ના માર્કેટ શેરમાં જાન્યુઆરી મહિનામાં ઘટાડો જોવા મળ્યો છે, જે 60.2 ટકા થઈ ગયો છે. ડિસેમ્બર 2023માં ઈન્ડિગોનો માર્કેટ શેર 61.8 ટકા પર હતો.
ટાટા ગ્રૂપની એરલાઇન વિસ્તારા (Vistara)નો માર્કેટ શેર જાન્યુઆરીમાં વધીને 9.9 ટકા પર પહોંચ્યો છે, જે ડિસેમ્બર 2023માં 9.5 ટકા પર હતો. આ સિવાય સ્પાઈસ જેટનો માર્કેટ શેર બગલ્યા વગર 5.6 ટકા પર બન્યો છે. જાન્યુઆરીમાં ટાટા ગ્રુપની એરલાઈન એર ઈન્ડિયાનો માર્કેટ શેર ડિસેમ્બર 2023માં 11.2 ટકાથી વધીને જાન્યુઆરીમાં 12.2 ટકા પર આવ્યો છે
ડીજીસીએના તાજેતરના ડેટા અનુસાર જાન્યુઆરીમાં ઈન્ડિગોનું પેસેન્જર લોડ ફેક્ટર ઘટીને 88.4 ટકા થયું હતું, જે ડિસેમ્બર 2023માં 90.7 ટકા હતું. આ સિવાય જાન્યુઆરીમાં માસિક આધાર પર વિસ્તારાના પેસેન્જર લોડ ફેક્ટર 93.3 ટકાથી વધીને 94.2 ટકા થઈ ગયા છે. જાન્યુઆરીમાં સ્પાઇસજેટનું પેસેન્જર લોડ ફેક્ટર 93.5 ટકાથી વધીને 93.7 ટકા (MoM) થયું છે અને એર ઇન્ડિયાનું પેસેન્જર લોડ ફેક્ટર ઘટીને 87.3 ટકા પર આવ્યું છે, જે ડિસેમ્બર 2023માં 88.2 ટકા પર હતું.