અશોક ગેહલોતે સચિન પાયલટને ગણાવ્યા દેશદ્રોહી, કહ્યું-આવા માણસને ન બનાવી શકાય મુખ્યમંત્રી
Rajasthan Congress: એક ટીવી ઈન્ટરવ્યુમાં અશોક ગેહલોતે સચિન પાયલટને છ વખત દેશદ્રોહી કહ્યા. રાજસ્થાન કોંગ્રેસમાં વધી રહેલા સંકટ વચ્ચે ગેહલોતનું નિવેદન આવ્યું છે.
Rajasthan Congress: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ફરી એકવાર સચિન પાયલટને લઈને મોટું નિવેદન આપ્યું છે. એક તરફ સચિન પાયલોટને ટેકો આપતા ધારાસભ્યો કોંગ્રેસ હાઈકમાન્ડ પર તેમને મુખ્યમંત્રી બનાવવા માટે દબાણ કરી રહ્યા છે. તો બીજીતરફ અશોક ગેહલોતે કહ્યું કે, કોઈ દેશદ્રોહીને મુખ્યમંત્રી બનાવી શકાય નહીં. ગુરુવારે એનડીટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે પાયલોટને છ વખત દેશદ્રોહી કહહ્યા હતા. રાજસ્થાન કોંગ્રેસમાં વધી રહેલા સંકટ વચ્ચે ગેહલોતનું નિવેદન આવ્યું છે.
ગેહલોતે ગુરુવારે કહ્યું કે, દેશદ્રોહી મુખ્યમંત્રી ન બની શકે. તેમણે આ બાબતે પોતાનું વલણ પુનરાવર્તિત કર્યું અને કહ્યું કે જે માણસની પાસે 10 ધારાસભ્યો નથી, જેણે પોતાની પાર્ટી સામે બળવો કર્યો છે. કોંગ્રેસ હાઈકમાન્ડ સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવી શકે નહીં.
સચિન પાયલોટના 2020ના બળવા વિશે વાત કરતા ગેહલોતે કહ્યું કે, તેને ભાજપ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું. તેમણે કહ્યું, ભારતમાં પહેલીવાર કોઈ પાર્ટીના અધ્યક્ષે પોતાની જ સરકારને તોડી પાડવાનો પ્રયાસ કર્યો. તેને અમિત શાહ સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓએ ટેકો આપ્યો હતો.
તે સમયે પાયલોટ 19 ધારાસભ્યોની ટીમ સાથે દિલ્હી નજીક એક ફાઈવ સ્ટાર રિસોર્ટમાં ગયા હતા. ત્યાં સુધીમાં તેમણે રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે બે વર્ષ પૂરા કર્યા હતા.
તે સમયે તે પાર્ટી માટે સીધો પડકાર હતો. તેના દ્વારા એવો સંદેશ આપવામાં આવ્યો હતો કે, કોંગ્રેસ હાઈકમાન્ડ સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવે અથવા તો તેને પાર્ટીમાંથી બહાર કરી દેવામાં આવશે.
ગેહલોત સમર્થકોએ તાજેતરમાં જ ધમકી આપી હતી કે, જો આ વર્ષે સપ્ટેમ્બરમાં પાયલટને મુખ્યમંત્રી બનાવવામાં આવશે તો તેઓ રાજીનામું આપી દેશે. તેઓએ માંગ કરી હતી કે 2020ના નિષ્ફળ બળવા માટે જવાબદાર કોઈપણ વ્યક્તિને રાજ્ય સરકારની લગામ ન આપવી જોઈએ.
ગુર્જર નેતાએ ભારત જોડો યાત્રાનો વિરોધ કરવાની આપી ધમકી
તો, આ દરમિયાન, એક ગુર્જર નેતા વિજય સિંહ બૈંસલાએ ધમકી આપી હતી કે,જો સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવામાં નહીં આવે તો રાજસ્થાનમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો વિરોધ કરશે.
આમ હોવા છતાં, પાયલોટે ગુર્જર નેતાના દાવાને સમર્થન આપવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, ભાજપ ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. જ્યારે બૈંસલાની ધમકી વિશે પૂછવામાં આવ્યું ત્યારે પાયલોટે કહ્યું હતું કે, ભાજપ ગમે તેટલી કોશિશ કરે, રાજસ્થાનમાં યાત્રા સફળ થશે.
જો કે આ પહેલા ગેહલોતે કહ્યું હતું કે, તેમની સરકાર બૈંસલાની ફરિયાદો દૂર કરવાનો પ્રયાસ કરશે.
ગેહલોતે જણાવ્યું કે, આ લોકશાહી છે અને દરેકને બોલવાનો અધિકાર છે. અમે બંધારણના આધારે શાસન કરીએ છીએ અને બોલવાનો અધિકાર છીનવી ન શકાય. જો કોઈ માંગણી કે સૂચન હશે તો અમે તેને સાંભળીશું અને પ્રયાસ કરીશું. ફરિયાદોનું નિવારણ કરવા પ્રયત્ન કરશે.