Gujarat election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન ગુરુવારે સાંજે 5 વાગ્યે સમાપ્ત થયું. સાંજે 5 વાગ્યાના મતદાનના ટ્રેન્ડ મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં વધુ મતદાન થયું છે, જ્યારે શહેરી વિસ્તારોમાં ઓછું મતદાન જોવા મળ્યું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પ્રથમ તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધીમાં 56.88% મતદાન નોંધાયું છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ભાવનગર જિલ્લાના હનોલ ગામમાં મતદાન કરતા પહેલા ગ્રામજનો સાથે વાતચીત કરી હતી.
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જામનગરના એક મતદાન મથક પર પોતાનો મત આપ્યો.
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતના એક મતદાન મથક પર પોતાનો મત આપ્યો.
પહેલા તબક્કાની તમામ 89 બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીએ 88 ઉમેદવાર ઊભા રાખ્યા છે. બહુજન સમાજ પાર્ટી 57 ઉમેદવાર સાથે ચોથા ક્રમે છે, તો ભારતીય ટ્રાયબલ પાર્ટી 14 ઉમેદવાર સાથે પાંચમા ક્રમે અને સમાજવાદી પાર્ટીએ બાર ઉમેદવાર ઊભા રાખ્યા છે.
25 હજાર 430થી વધુ મતદાન
મતદાનને લઇને ચૂંટણી પંચે તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. 25 હજાર 430થી વધુ મતદાન મથક પર 2 કરોડ 39 લાખથી વધુ લોકો મતાધિકારીઓ ઉપયોગ કરશે.
અનેક દિગ્ગજોનું ભાવિ EVMમાં કેદ
આજના વોટિંગમાં 10 મંત્રી સહિત અનેક મહારથીઓનું ભાવિ EVMમાં કેદ થયા છે. સૌરાષ્ટ્ર કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠક પરથી અનેક દિગ્ગજો મેદાને છે. સરકારમાં પૂર્વ મંત્રી પરસોત્તમ સોલંકી, છ વખત ધારાસભ્ય રહી ચૂકેલા કુંવરજી બાવળિયા, મોરબીમાં પુલ દુર્ઘટનામાં બચાવકાર્ય કરીને ચર્ચામાં આવેલા કાંતિલાલ અમૃતિયા, ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા, તો, ગોંડલથી ગીતા બા જાડેજાના ભાવિ ઇવીએમમાં કેદ થશે. તે સિવાય AAPના મુખ્યમંત્રી પદના ચહેરા ઈસુદાન ગઢવી, AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, તેમજ AAP નેતા અલ્પેશ કથિરિયાના ભાવિ પણ નક્કી થશે.