ગુજરાતને ડબલ એન્જિનની સરકાર નથી જોઈતી, નવી સરકાર જોઈએ, અરવિંદ કેજરીવાલે ખંભાળીયામાં કહી આ વાત - gujarat does not want a double engine government it wants a new government aap national coordinator arvind kejriwal said this in khambhalia | Moneycontrol Gujarati
Get App

ગુજરાતને ડબલ એન્જિનની સરકાર નથી જોઈતી, નવી સરકાર જોઈએ, અરવિંદ કેજરીવાલે ખંભાળીયામાં કહી આ વાત

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. ચૂંટણીને હવે ફક્ત 9 દિવસ બાકી છે. બે ફેઝમાં ગુજરાત વિધાનસભાનું મતદાન થવાનું છે . ત્યારે આમ આદમી પાર્ટીના દરેક ઉમેદવાર દિવસ-રાત એડીચોટીનું જોર લગાવીને કામ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલએ અત્યારે ગુજરાતના પ્રવાસે છે. ગઈકાલ

અપડેટેડ 12:30:25 PM Nov 23, 2022 પર
Story continues below Advertisement

Gujarat Election 2022: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ એક જાહેર સભા દરમિયાન ખંભાળિયામાં એકઠા થયેલા હજારો લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ ખંભાળિયામાં જાહેર સભા કરવા આવ્યા હતા, પરંતુ તેમની સભામાં લોકો આવ્યા જ નહીં. અને આજે હજારો લોકો અમારી સભામાં હાજરી આપવા આવ્યા છે. દરેકના ચહેરા પર ખુશી છે, દરેક વ્યક્તિ પોતાના પુત્ર ઇસુદાન ગઢવીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા અહીં આવ્યા છે. ભારતને આઝાદી મળ્યાને 75 વર્ષ થઈ ગયા છે, પરંતુ આજદિન સુધી ખંભાળિયામાંથી કોઈ મુખ્યમંત્રી નથી બન્યું. હવે 75 વર્ષ બાદ પ્રથમ વખત ખંભાળિયાના પુત્ર ગુજરાતના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. તેથી જ આજે મને તમારા બધાની વચ્ચે આવીને ખૂબ જ ગર્વ થાય છે અને હું ખૂબ ખુશ પણ છું. ઘણી ચેનલો અહીંયા ત્યાં સર્વે બતાવે છે પણ સાચો સર્વે 8મી ડિસેમ્બરે આવશે. ગુજરાતમાં 8મી ડિસેમ્બરે આમ આદમી પાર્ટીની સરકાર બનશે અને ઇતિહાસ રચાશે.

ગુજરાતમાંથી જઈ રહી છે ભારતીય જનતા પાર્ટી
વધુમાં કેજરીવાલે કહ્યું કે, પહેલા ગુજરાતની જનતા પાસે વિકલ્પ નહોતો. લોકો હંમેશા ભાજપવાળાને હટાવવા માંગતા હતા, પરંતુ તેમની સાથે કોંગ્રેસ પણ મળેલી હતી. પરંતુ હવે ખરો મોકો આવી ગયો છે. આ લોકોને પડકાર આપવાવાળી પાર્ટી આવી ગઇ છે, આ લોકો સાથે આંખમાં આંખ મિલાવીને વાત કરે એવી પાર્ટી આવી ગઈ છે, આ લોકોનો હિસાબ લેવાવાળી પાર્ટી આવી ગઈ છે. એક શ્રેષ્ઠ વિકલ્પના રૂપમાં આમ આદમી પાર્ટી આવી ગઈ છે. અમે 6 મહિનાથી પ્રચાર કરી રહ્યા છીએ, પરંતુ હજુ પણ સમગ્ર ગુજરાતમાં જબરદસ્ત પરિવર્તનની આંધી ચાલી રહી છે. તેનો અર્થ એ છે કે આ ભગવાન શ્રી કૃષ્ણનો પ્રકોપ છે. જ્યારે જ્યારે પૃથ્વી પર પાપનો ઘડો ભરાઈ જાય છે, ત્યારે ઉપરવાળો પોતાનું ઝાડુ ચલાવે છે. હવે ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટી જઈ રહી છે અને આમ આદમી પાર્ટી આવી રહી છે.

1 માર્ચથી ગુજરાતના લોકોને 24 કલાક વીજળી સાથે ઝીરો વીજ બિલ મળશે
કેજરીવાલે કહ્યું કે, સૌથી પહેલા તો તમને મોંઘવારીથી છુટકારો મળશે. જ્યારે ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું ત્યાકે ઘણા પૈસાની બચત થશે, તે પૈસાથી સૌથી પહેલા તમારી વીજળી મફત કરીશું. મારી પાસે ગુજરાતનાં ઘણા લોકો આવે છે અને કહે છે કે, મોંઘવારી ઘણી વધી ગઈ છે, બાળકો ઉછેરવાના પૈસા નથી અને આવક પણ નથી વધી રહી. દિલ્હી અને પંજાબમાં અમે વીજળી મફત કરી દીધી. અને જેમના જૂના બિલ બાકી હતા તેમના જૂના બિલ માફ કર્યા. હવે દિલ્હી અને પંજાબમાં લોકોને ઝીરો બિલ આવે છે. દિલ્હીમાં 42 લાખ લોકોનું વીજળી બિલ ઝીરો આવે છે અને પંજાબમાં 50 લાખ લોકોનું વીજળી બિલ ઝીરો આવે છે. ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે અને 1 માર્ચથી ગુજરાતની જનતાના વીજળીના બિલ ઝીરો પર આવવા લાગશે.

દરેક ગામમાં શાનદાર સરકારી શાળાઓ બનાવીશું
જેમ અત્યારે ગુજરાતની સરકારી શાળાઓ ખરાબ છે તેમ પહેલાં દિલ્હીમાં પણ સરકારી શાળાઓનો ગંભીર રીતે ખરાબ હતી. અમારી સરકાર બન્યા પછી અમે દિલ્હીની તમામ સરકારી શાળાઓને શાનદાર બનાવી દીધી. આજે દિલ્હીની સરકારી શાળાના પરિણામો પણ ખૂબ સારા આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં જ્યારે આપની સરકાર બનશે ત્યારે દરેક ગામમાં શાનદાર સરકારી શાળાઓ બનાવીશું, તમારા બાળકોને સારું શિક્ષણ આપીશું અને તમારી ગરીબી દૂર કરીશું.

મને રાજનીતિ કરતા નથી આવડતી, મને કામ કરતા આવડે છે
મને રાજનીતિ કરતા નથી આવડતી, મને ગુંડાગીરી કરતા નથી આવડતી, મને અપશબ્દો બોલતા નથી આવડતા, હું એક શિક્ષિત માણસ છું, મને કામ કરતા આવડે છે. મને સ્કૂલ બનાવતા આવડે છે, હોસ્પિટલ બનાવતા આવડે છું, દિલ્હીમાં પણ બનાવ્યા છે, પંજાબમાં પણ બનાવી રહ્યા છીએ, જો તમે તક આપશો તો હું ગુજરાતમાં પણ બનાવીશ. હું તમને ખોટા વચનો આપતો નથી. હું તમને ક્યારેય નહીં કહું કે હું તમને ₹15,00,000 આપીશ, હું ખોટું નથી બોલતો. મેં દિલ્હીમાં જે કામ કર્યું છે, મેં જે કામ કરીને બતાવ્યું છે તે જ કામ કરવાની વાત કરી રહ્યો છું. હું ઈમાનદાર માણસ છું, ભ્રષ્ટાચાર નથી કરતો.


આ વખતે ગુજરાતને ડબલ એન્જિનની સરકાર નથી જોઈતી
જનસભાને સંબોધતા કેજરીવાલે કહ્યું કે, સમગ્ર ગુજરાત પરિવર્તનની માંગ કરી રહ્યું છે. હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે આ વખતે છેતરાતા નહીં, કોંગ્રેસને વોટ આપીને તમારા વોટના ભાગલા ન પાડતા. કોંગ્રેસને વોટ આપીને ભાજપને ના જીતાડી દેતા. કોંગ્રેસને વોટ આપીને તમારો વોટ ના બગાડતા. કોંગ્રેસની 10થી ઓછી સીટો આવી રહી છે અને તે જેટલી પણ સીટો આવશે તે પછીમાં ભાજપમાં જોડાઇ જાશે. આ વખતે ગુજરાતને ડબલ એન્જિનની સરકાર નથી જોઈતી, નવી સરકારની જરૂર છે. હું અહીં માત્ર એક મોકો માંગવા આવ્યો છું. કોંગ્રેસને 70 વર્ષ આપ્યા, ભાજપને 27 વર્ષ આપ્યા, બસ એક મોકો આપો. જો હું કામ ના કરું તો એનાં પછી હું વોટ માંગવા નહીં આવું. એક મોટું પરિવર્તન આવી રહ્યું છે, તમે બધા આ પરિવર્તનનો ભાગ બનો. આપણે સૌ સાથે મળીને નવું ગુજરાત બનાવીશું.

ભુપેન્દ્રભાઈ પાસે પાવર જ નથી, તેઓ એક કઠપૂતળી CM છે
કેજરીવાલે કહ્યું કે, આજે મારે ખંભાળિયાની જનતાને પૂછવું છે કે એક તરફ ભૂપેન્દ્રભાઈ પટેલ છે અને બીજી તરફ ઈસુદાન ગઢવી છે. ઇસુદાન ગઢવી એક યુવા નેતા છે, જેમનું હૃદય માત્ર ગરીબો માટે જ ધબકે છે. જ્યારે તેઓ મીડિયામાં રિપોર્ટર હતા ત્યારે પણ તેમણે ખેડૂતો માટે ઘણું બધું કામ કર્યું છે. અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ છે. પરંતુ તેમની પાસે પાવર જ નથી, તેઓ કઠપૂતળી CM છે. તે તેમના પટાવાળાને પણ બદલી શકતા નથી.

 

MoneyControl News

MoneyControl News

First Published: Nov 22, 2022 7:42 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.