NCP નેતા શરદ પવારે મંગળવારે મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ વિવાદ પર મીડિયાને સંબોધિત કર્યું. તેમણે કહ્યું કે, જો કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈ ભડકાઉ નિવેદનો આપવાના હોય તો કેન્દ્રએ દખલ કરવી જોઈએ.
Karnataka-Maharashtra Border Dispute: મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે ચાલી રહેલ સીમા વિવાદ મંગળવારે વધી ગયો કારણ કે કોલ્હાપુરથી રાજ્ય પરિવહનની બસોને વિવાદિત સરહદી વિસ્તારોમાં જેમ કે બેલાગવી અને નિપાનીમાં જતી અટકાવવામાં આવી હતી. કર્ણાટકના દેખાવકારોએ કેટલીક બસોને પણ કાળી શાહીથી રંગાવી હતી. મહારાષ્ટ્રના રાજકીય નેતાઓએ કેન્દ્રના હસ્તક્ષેપની માગણી શરૂ કરી. કર્ણાટકના બેલગાવીમાં રાજ્યના વાહનોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.
દરમિયાન NCP નેતા શરદ પવારે મંગળવારે મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ વિવાદ પર મીડિયાને સંબોધિત કર્યું. એનસીપીના વડા શરદ પવારે કહ્યું કે, "જો કર્ણાટકના સીએમ બસવરાજ બોમ્માઈ ભડકાઉ નિવેદનો આપવાના હોય તો કેન્દ્રએ દરમિયાનગીરી કરવી જોઈએ."
તેમણે એમ પણ કહ્યું કે સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું હોવાથી તેઓ મહારાષ્ટ્રના સાંસદોને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ પાસે પ્રતિનિધિમંડળ લઈ જવા વિનંતી કરશે.
તેમણે કહ્યું કે બેલાગાવીના વિવાદિત વિસ્તારમાં શું થઈ રહ્યું છે તેનાથી તેઓ ચિંતિત છે. બેલગાવીમાં મરાઠી લોકો “આતંક”ના વાતાવરણમાં જીવી રહ્યા છે.
તેમણે કહ્યું, "ત્યાંના લોકો અવારનવાર મારા સંપર્કમાં આવે છે અને હું જે સાંભળી રહ્યો છું તેનાથી ડર લાગે છે. જો આગામી 24કલાકમાં મહારાષ્ટ્રથી જતી ટ્રેનો પર હુમલા બંધ નહીં થાય તો તેના માટે કર્ણાટકના સીએમ બોમાઈ જવાબદાર હશે."
પવારે કહ્યું કે મહારાષ્ટ્રના લોકોએ સમજદારી જાળવી રાખી છે, પરંતુ કર્ણાટક સરકાર દ્વારા તેમને ઉશ્કેરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું, “બંને રાજ્યોના મુખ્ય પ્રધાનો (બસવરાજ બોમાઈ અને એકનાથ શિંદે) એ પરિસ્થિતિને થાળે પાડવા માટે સાથે મળીને કામ કરવું જોઈતું હતું. કર્ણાટકના લોકો કાયદો પોતાના હાથમાં લઈ રહ્યા છે.
મંત્રીઓએ પ્રવાસ રદ કરવો પડ્યો હતો
દરમિયાન મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કર્ણાટકના મુખ્ય પ્રધાન બોમાઈ સાથે વાત કરી હતી. તેમણે ખાતરી આપી હતી કે તેમની સરકાર સરહદોની સુરક્ષા અને કન્નડીગાના કલ્યાણને સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.
મહારાષ્ટ્ર સરકારે ચંદ્રકાંત પાટીલ અને શંભુરાજ દેસાઈને બોર્ડર સમસ્યાના ઉકેલ માટે બેલાગવીની મુલાકાત લેવાનો નિર્દેશ આપ્યો હતો, પરંતુ હવે તેમનું શેડ્યૂલ રદ કરવામાં આવ્યું છે. પાટીલ અને દેસાઈને આ મુદ્દા માટે સંકલનકારી મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ મંત્રીઓને બેલાગવીની મુલાકાત લેવાની સલાહ આપી હતી.
મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ વિવાદનો ઇતિહાસ
1960માં તેની રચના થઈ ત્યારથી, મહારાષ્ટ્ર બેલગામ જિલ્લાના દરજ્જા અને દક્ષિણ રાજ્યના નિયંત્રણ હેઠળ આવેલા અન્ય 80મરાઠી-ભાષી ગામોના દરજ્જાને લઈને કર્ણાટક સાથે વિવાદમાં ફસાયેલું છે.
બેલગામ અથવા બેલાગવી હાલમાં કર્ણાટકનો ભાગ છે, પરંતુ મહારાષ્ટ્ર તેને પોતાનો દાવો કરે છે. કર્ણાટક-મહારાષ્ટ્ર સરહદ વિવાદ વધ્યા પછી બેલાગવીમાં ઘણી અપ્રિય ઘટનાઓ બની હતી.
મંગળવારે તાજો વિવાદ ફાટી નીકળ્યો જ્યારે કર્ણાટક રક્ષા વેદિકેના કાર્યકરોએ બાગેવાડી ખાતે મહારાષ્ટ્ર નંબર પ્લેટવાળી ટ્રકોને રોકી હતી. આ દરમિયાન એક ટ્રક પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં કામદારોએ હાઈવે પર ચક્કાજામ પણ કર્યો હતો. આ દરમિયાન પોલીસે કેટલાકને કસ્ટડીમાં લીધા હતા.