ઓટો સેક્ટરમાં દિવાળી પહેલાં જ ધમાકો: ગાડીઓના વેચાણે સપ્ટેમ્બરમાં બનાવ્યો નવો રેકોર્ડ, જાણો શું કહે છે SIAM ના આંકડા
Indian Auto Industry: SIAMના નવા આંકડા મુજબ, GST ઘટાડા અને તહેવારોની સિઝનને કારણે સપ્ટેમ્બર 2025માં ભારતીય ઓટો ઉદ્યોગમાં રેકોર્ડબ્રેક વેચાણ થયું. પેસેન્જર વાહનો, ટુ-વ્હીલર્સ અને કોમર્શિયલ વાહનોના વેચાણના વિગતવાર આંકડા જાણો.
સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM) દ્વારા જાહેર કરાયેલા લેટેસ્ટ આંકડા દર્શાવે છે કે પેસેન્જર વાહનોથી લઈને ટુ-વ્હીલર્સ સુધીના દરેક સેગમેન્ટમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે.
Indian Auto Industry: ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે સપ્ટેમ્બર મહિનો ઐતિહાસિક સાબિત થયો છે. તહેવારોની સિઝનની શરુઆત અને સરકાર દ્વારા GST દરોમાં કરાયેલા ઘટાડાએ ગાડીઓના વેચાણને એવું એક્સીલેટર આપ્યું છે કે વેચાણના જૂના બધા રેકોર્ડ તૂટી ગયા છે. સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM) દ્વારા જાહેર કરાયેલા લેટેસ્ટ આંકડા દર્શાવે છે કે પેસેન્જર વાહનોથી લઈને ટુ-વ્હીલર્સ સુધીના દરેક સેગમેન્ટમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે.
SIAM ના પ્રમુખ, શૈલેષ ચંદ્રાના જણાવ્યા અનુસાર, પેસેન્જર વાહનો, ટુ-વ્હીલર્સ અને થ્રી-વ્હીલર્સના સપ્લાયે સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ આંકડો નોંધાવ્યો છે. આ તેજીએ સમગ્ર નાણાકીય વર્ષ માટે સકારાત્મક વૃદ્ધિની આશા જગાવી છે.
ચાલો મુખ્ય વેચાણના આંકડા પર એક નજર કરીએ (સપ્ટેમ્બર મહિનાના આંકડા):
GST 2.0 બન્યું ગેમ-ચેન્જર
શૈલેષ ચંદ્રાએ GST 2.0 સુધારાને ઓટો ઉદ્યોગ માટે એક "ઐતિહાસિક પગલું" ગણાવ્યું. તેમણે કહ્યું કે આ સુધારા માત્ર ઓટો ઉદ્યોગને જ નહીં, પરંતુ સમગ્ર અર્થવ્યવસ્થાને નવી ગતિ આપશે. GST દરો ઘટવાથી ગાડીઓની કિંમતોમાં ઘટાડો થયો છે, જેનાથી ગ્રાહકોનો ખરીદી પ્રત્યેનો ઉત્સાહ વધ્યો છે અને બજારમાં માંગ ખુલી છે.
બજારના મુખ્ય ટ્રેન્ડ્સ: કઈ ગાડીઓ વધુ વેચાઈ?
આ તો થઈ સપ્ટેમ્બર મહિનાની વાત, પણ જો જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરની વાત કરીએ તો પેસેન્જર વાહનોનું કુલ વેચાણ ગયા વર્ષની સરખામણીમાં 1.5% ઘટીને 10,39,200 યુનિટ્સ રહ્યું હતું. જોકે, જુલાઈ અને ઓગસ્ટની આ નરમાઈને સપ્ટેમ્બરના રેકોર્ડબ્રેક વેચાણે સંપૂર્ણપણે સરભર કરી દીધી.
SUVનો દબદબો યથાવત: પેસેન્જર વાહન સેગમેન્ટમાં SUVનો સિંહફાળો છે. કુલ વેચાણમાં SUV નો હિસ્સો હવે 56% પર પહોંચી ગયો છે, જે થોડા વર્ષો પહેલા માત્ર 29% હતો. જોકે, SIAM નું માનવું છે કે હવે આ વૃદ્ધિ સ્થિર થઈ શકે છે.
નાની ગાડીઓની વાપસી: GST ઘટવાથી એન્ટ્રી-લેવલ હેચબેક (નાની કાર) ની કિંમતોમાં ઘટાડો થયો છે, જેના કારણે આ સેગમેન્ટના વેચાણમાં ફરી એકવાર સુધારો જોવા મળી રહ્યો છે.
ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરમાં પણ તેજીનો માહોલ
બીજા ક્વાર્ટરમાં (જુલાઈ-સપ્ટેમ્બર), ટુ-વ્હીલરનું વેચાણ વાર્ષિક ધોરણે 7% વધીને 55,62,077 યુનિટ્સ થયું છે. આ વૃદ્ધિ પાછળ ગ્રામીણ માંગમાં મજબૂતી, સારી આર્થિક ગતિવિધિઓ અને GST ઘટાડાનો મોટો ફાળો છે.
સ્કૂટર સેગમેન્ટ: 12% ની જોરદાર વૃદ્ધિ નોંધાવી.
મોટરસાઇકલ સેગમેન્ટ: 5% ની વૃદ્ધિ જોવા મળી.
થ્રી-વ્હીલર સેગમેન્ટે પણ શાનદાર પ્રદર્શન કરતાં 10% ની વૃદ્ધિ સાથે 2,29,239 યુનિટ્સનું વેચાણ કર્યું, જે ક્વાર્ટર માટે અત્યાર સુધીનું સર્વોચ્ચ છે.
કોમર્શિયલ વાહનો પણ પાછળ નથી
માલવાહક વાહનોના સેગમેન્ટમાં પણ તેજી જોવા મળી. બીજા ક્વાર્ટરમાં કોમર્શિયલ વાહનોનું વેચાણ 8% વધીને 2.4 લાખ યુનિટ્સ પર પહોંચ્યું. ભારે વાહનોને મજબૂત માલ પરિવહનની માંગથી અને હળવા વાહનોને શહેરી લોજિસ્ટિક્સની જરૂરિયાતોથી ફાયદો થયો છે.
SIAM માને છે કે મજબૂત તહેવારોની માંગ અને સ્થિર આર્થિક પરિસ્થિતિઓના જોરે ભારતીય ઓટો ઉદ્યોગ 2025-26 ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં પણ સકારાત્મક વૃદ્ધિ જાળવી રાખશે. જોકે, ઉદ્યોગ વૈશ્વિક રાજકીય ઘટનાઓ પર પણ નજીકથી નજર રાખી રહ્યું છે.