Indian car export 2025: ભારતની ઓટો ઇન્ડસ્ટ્રી હવે માત્ર દેશમાં જ નહીં, પરંતુ વિશ્વના ઘણા દેશોમાં પણ પોતાની છાપ છોડી રહી છે. ચાલુ નાણાકીય વર્ષ 2025-26ની પહેલી છમાહી એટલે કે એપ્રિલથી સપ્ટેમ્બર 2025 દરમિયાન ભારતમાંથી પેસેન્જર વાહનોનું એક્ષપોર્ટ ગત વર્ષની સરખામણીએ 18% વધીને 4,45,884 યુનિટ પર પહોંચી ગયું છે. ગત વર્ષ આ સમયગાળામાં આ આંકડો 3,76,679 યુનિટ હતો.
આ વધારામાં સૌથી મોટો હિસ્સો મારુતિ સુઝુકી ઇન્ડિયાનો રહ્યો છે. કંપનીએ 2,05,763 વાહનો વિદેશ મોકલ્યા, જે ગત વર્ષની સરખામણીએ 40%નો વધારો દર્શાવે છે. આ આંકડા દર્શાવે છે કે ભારતીય કારોની ગુણવત્તા અને વિશ્વસનીય ટેક્નોલોજી વિદેશી ગ્રાહકોને આકર્ષી રહી છે.
અન્ય કંપનીઓનું પ્રદર્શન પણ નોંધપાત્ર રહ્યું છે. હ્યુન્ડાઇ ઇન્ડિયાએ 17% વધારા સાથે 99,540 વાહનો, નિસાન ઇન્ડિયાએ 37,605, ફોક્સવેગને 28,011, ટોયોટાએ 18,880, કિયાએ 13,666 અને હોન્ડાએ 13,243 વાહનોનું એક્ષપોર્ટ કર્યું છે. કેટેગરી પ્રમાણે પણ એક્ષપોર્ટમાં સારો વધારો જોવા મળ્યો છે. પેસેન્જર કારનું એક્ષપોર્ટ 12% વધીને 2,29,281 યુનિટ, યુટિલિટી વાહનો 26% વધીને 2,11,373 યુનિટ અને વૅનનું એક્ષપોર્ટ 36.5% વધીને 5,230 યુનિટ સુધી પહોંચ્યું છે.
આ વધારાનું મુખ્ય કારણ પશ્ચિમ એશિયા અને લેટિન અમેરિકાના દેશોમાં મજબૂત માંગ છે. આ વખતે ભારતે કુલ 24 દેશોમાં એક્ષપોર્ટ વધારી છે, જેમાં દક્ષિણ કોરિયા, યુએઇ, જર્મની, ટોગો, મિસર, વિયેતનામ, ઇરાક, મેક્સિકો, રશિયા, કેન્યા, નાઇજિરિયા, કેનેડા, પોલેન્ડ, શ્રીલંકા, ઓમાન, થાઇલેન્ડ, બાંગ્લાદેશ, બ્રાઝિલ, બેલ્જિયમ, ઇટલી અને તાન્ઝાનિયાનો સમાવેશ થાય છે. જોકે, સપ્ટેમ્બરમાં અમેરિકામાં એક્ષપોર્ટમાં ઘટાડો નોંધાયો, જેનું કારણ ત્યાંની ઊંચી ફીસ હોવાનું મનાય છે.