India-US trade: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટો અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ખેડૂતો, માછીમારો અને MSME (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો)ના હિતોનું રક્ષણ થાય ત્યાં સુધી કોઈ વેપાર સમજૂતી નહીં થાય. GST બચત ઉત્સવ દરમિયાન પત્રકાર પરિષદમાં ગોયલે કહ્યું, “ભારતના ખેડૂતો, માછીમારો અને MSMEના હિતો અમારી પ્રાથમિકતા છે. જ્યાં સુધી આ હિતો સુરક્ષિત નથી, ત્યાં સુધી કોઈ સમજુતી શક્ય નથી.”
ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર સમજૂતી (BTA) પર વાતચીત સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ચાલી રહી છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં બંને દેશોના નેતાઓએ વેપાર વાટાઘાટોને આગળ વધારવાનો નિર્ણય લીધો હતો. આ સમજૂતીનો પ્રથમ તબક્કો ઓક્ટોબર-નવેમ્બર 2025 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. અત્યાર સુધી પાંચ રાઉન્ડની વાટાઘાટો પૂર્ણ થઈ ચૂકી છે. ગયા મહિને ગોયલે ન્યૂયોર્કમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું, જ્યારે આ સપ્તાહે વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે વોશિંગ્ટનમાં અમેરિકી અધિકારીઓ સાથે ચર્ચા કરી.
ગોયલે જણાવ્યું કે વૈશ્વિક પડકારો અને અમેરિકી ટેરિફની અસર હોવા છતાં ભારતની નિકાસમાં વૃદ્ધિ થઈ રહી છે. ચાલુ નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ છ મહિના (એપ્રિલ-સપ્ટેમ્બર)માં ભારતની વસ્તુ અને સર્વિસ એક્સપોર્ટ 5% વધીને 413.3 અબજ ડોલર થઈ ગયા છે. વસ્તુ નિકાસમાં પણ 3%નો વધારો થઈને 220.12 અબજ ડોલર નોંધાયો છે. તેમણે કહ્યું, “વિશ્વભરમાં ભારતની વસ્તુઓ અને સર્વિસની માંગ છે. અમે વિશ્વાસ રાખીએ છીએ કે 2025-26માં નિકાસમાં સકારાત્મક વૃદ્ધિ થશે.”
GSTમાં તાજેતરના સુધારા અંગે ગોયલે જણાવ્યું કે આનાથી દેશની અર્થવ્યવસ્થાને વેગ મળશે અને વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં મદદ મળશે. તેમણે GST દરમાં ઘટાડાના લાભોનો ઉલ્લેખ કરતાં કહ્યું, “GST ઘટાડાની જાહેરાત થતાં જ રોકાણકારોને તેનો ફાયદો સમજાઈ ગયો. આનાથી માંગમાં નોંધપાત્ર વધારો થશે.”