Union Budget 2023-24: આ વખતે કેન્દ્રીય બજેટ (Budget 2023)માં ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માટે મોટી જાહેરાત થઈ શકે છે. પેટ્રોલ અને ડીઝલ પર ચાલતા વાહનોના કારણે પર્યાવરણને ઘણું નુકસાન થઈ રહ્યું છે. જો હવે આ સમસ્યાને દૂર કરવા માટે પગલાં લેવામાં નહીં આવે, તો ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. આવી સ્થિતિમાં ગ્રીન એનર્જીનો ઉપયોગ વધારવો એ જ એકમાત્ર રસ્તો છે. તેથી, નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને વધારવાના પગલાંની જાહેરાત કરી શકે છે. નાણામંત્રી 1 ફેબ્રુઆરી, 2023ના રોજ બજેટ રજૂ કરશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે, EVના સમગ્ર ઇકોસિસ્ટમ માટે મોટી જાહેરાત કરશે. જેમાં EVની કિંમતોને એફોર્ડેબલ બનાવવા, ચાર્જિંગ સ્ટેશનોની સંખ્યામાં વધારો અને EV ખરીદનારા લોકોને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થશે. નાણામંત્રીએ ગત બજેટમાં કહ્યું હતું કે, સરકાર EVના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે બેટરી સ્વેપ પોલિસી લાવશે. આ નીતિનો ડ્રાફ્ટ સરકારે આ વર્ષે એપ્રિલમાં રજૂ કર્યો હતો. આ અંગે લોકોનો અભિપ્રાય માંગવામાં આવ્યો હતો.

