Donald Trump on Russia oil: અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં રશિયાના તેલ ખરીદનારા દેશો વિશે મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે હાલમાં તેમને નવા સેકન્ડરી ટેરિફ લગાવવાની જરૂર નથી, પરંતુ 2-3 અઠવાડિયા પછી આ વિશે ફરી વિચાર કરી શકે છે. આ વાત તેઓએ રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન સાથે અલાસ્કામાં થયેલી મુલાકાત પછી કરી.
શુક્રવારે થયેલી આ મીટિંગમાં યુદ્ધ રોકવા વિશે કોઈ સહમતિ ન બની, પરંતુ બંને નેતાઓ વચ્ચે સારી વાતચીત થઈ. ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને કહ્યું કે આજની ઘટનાઓને કારણે હાલ નવા ટેરિફ વિશે વધુ વિચારવાની જરૂર નથી. તેઓએ ચીન જેવા દેશોના સંદર્ભમાં આ વાત કરી, જે રશિયાના તેલના મોટા ખરીદદાર છે.
ભારત વિશે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે તેમના ટેરિફના નિર્ણયથી રશિયા પર દબાણ આવ્યું અને તેઓ મીટિંગ માટે તૈયાર થયા. ટ્રમ્પના જણાવ્યા મુજબ, જ્યારે તેઓએ ભારતને કહ્યું કે તમે રશિયા પાસેથી તેલ ખરીદો છો તો અમે તમારા પર ટેરિફ લગાવીશું, તો રશિયાએ તરત જ ફોન કરીને મુલાકાતની ઇચ્છા વ્યક્ત કરી. તેઓએ ઉમેર્યું કે ભારત રશિયાના તેલનો બીજો સૌથી મોટો ગ્રાહક છે અને ચીનની નજીક પહોંચી રહ્યો છે.
જોકે, ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાની નીતિમાં કોઈ ફેરફાર કરવાનો ઇનકાર કર્યો છે. ગુરુવારે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના અધ્યક્ષ એએસ સાહનીએ કહ્યું કે રશિયા તેલ આયાત પર કોઈ પ્રતિબંધ નથી અને આર્થિક આધારે ખરીદી ચાલુ રહેશે. વિદેશ મંત્રાલયે પણ ટ્રમ્પના ટેરિફને અનુચિત ગણાવ્યા અને રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવાનું વચન આપ્યું.