ઇલેક્ટ્રિક વાહન બજારમાં ટાટાની મુખ્ય હરીફ કંપની MG મોટર્સે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે.
ભારત સહિત વિશ્વભરમાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. પર્યાવરણને લઈને વધતી જાગૃતિ, ઇંધણના ઊંચા ભાવ અને ટેક્નોલોજીમાં થયેલી પ્રગતિને આ વધારાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. ભારતમાં પણ લોકો હવે ઇલેક્ટ્રિક કારો તરફ વધુ આકર્ષાય રહ્યા છે. તાજેતરના આંકડા દર્શાવે છે કે ઇલેક્ટ્રિક વાહનોમાં ટાટા મોટર્સની ગાડીઓ ગ્રાહકોની પ્રથમ પસંદગી બની રહી છે.
ટાટા મોટર્સનું ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં વર્ચસ્વ
ઇલેક્ટ્રિક કાર બજારમાં ટાટા મોટર્સે પોતાની મજબૂત સ્થિતિ જાળવી રાખી છે. માર્ચ 2025માં કંપનીએ 4,710 ઇલેક્ટ્રિક કારો વેચી, જે ફેબ્રુઆરીની 3,980 ગાડીઓની તુલનાએ માસિક ધોરણે 18 ટકાનો વધારો દર્શાવે છે. જોકે, ગયા વર્ષે માર્ચમાં વેચાયેલી 7,184 કારની સરખામણીએ આ વખતે વાર્ષિક ધોરણે 34 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ટાટા પંચ EV અને નેક્સન EV જેવા મોડલ્સના દમ પર કંપનીએ આ સફળતા હાંસલ કરી છે.
MG મોટર્સે પણ બતાવી તાકાત
ઇલેક્ટ્રિક વાહન બજારમાં ટાટાની મુખ્ય હરીફ કંપની MG મોટર્સે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. માર્ચમાં MGએ 3,889 ઇલેક્ટ્રિક કારો વેચી, જે ગયા વર્ષે માર્ચની 1,173 ગાડીઓની સરખામણીએ 232 ટકાનો ઉછાળો દર્શાવે છે. વિન્ડસર EVની મજબૂત માંગને કારણે કંપનીએ બજારમાં બીજું સ્થાન મેળવ્યું છે.
મહિન્દ્રાનું પ્રદર્શન પણ નોંધપાત્ર
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ત્રીજા ક્રમે રહી, જેણે માર્ચ 2025માં 1,944 ઇલેક્ટ્રિક કારોનું વેચાણ કર્યું. આ આંકડો ગયા વર્ષે માર્ચની 692 ગાડીઓની તુલનાએ 181 ટકા વધુ છે અને ફેબ્રુઆરીની 498 ગાડીઓ કરતાં પણ વધારે છે. કંપનીએ આ સિદ્ધિ સાથે પોતાની હાજરી મજબૂત કરી છે.
હ્યુન્ડાઇ અને BYDનો દેખાવ
ચોથા સ્થાને રહેલી હ્યુન્ડાઇ મોટર્સે માર્ચમાં 849 ઇલેક્ટ્રિક કારો વેચી, જે ગયા વર્ષે સમાન મહિનાની 153 ગાડીઓની સરખામણીએ 455 ટકાનો ભારે વધારો દર્શાવે છે. તો પાંચમા નંબરે રહેલી BYDએ 396 કારો વેચી, જેમાં 175 ટકાનો વધારો નોંધાયો છે.
બજારમાં ટાટાની લોકપ્રિયતા
તાજેતરના આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં ઇલેક્ટ્રિક કાર ખરીદનારા ગ્રાહકો માટે ટાટા મોટર્સની ગાડીઓ પ્રથમ પસંદગી બની રહી છે. જોકે, વાર્ષિક ઘટાડો હોવા છતાં, માસિક વેચાણમાં થયેલો વધારો કંપનીની મજબૂત સ્થિતિ દર્શાવે છે. MG, મહિન્દ્રા અને હ્યુન્ડાઇ જેવી કંપનીઓ પણ બજારમાં સ્પર્ધા વધારી રહી છે, જે ગ્રાહકોને વધુ વિકલ્પો પૂરા પાડી રહી છે.