Manipur Violence: ગુરુવારે મોડી રાત્રે મણિપુરના ચુરાચંદપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. રોષે ભરાયેલા ટોળાએ પોલીસ અધિક્ષક અને જિલ્લા કલેક્ટરની કચેરીઓ પર હુમલો કર્યો હતો. સુરક્ષા દળોએ ભીડને કાબૂમાં લેવા માટે ગોળીબાર કર્યો, જેમાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા અને 42 ઘાયલ થયા. હિંસાના તાજેતરના કેસોને પગલે રાજ્ય સરકારે કુકી પ્રભાવિત ચુરાચંદપુર જિલ્લામાં પાંચ દિવસ માટે ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી છે. આ બાબતથી વાકેફ સૂત્રોના જણાવ્યા અનુસાર, ટોળાએ મિની સચિવાલય તેમજ કલેક્ટર નિવાસ તરીકે ઓળખાતા સંકુલ પાસે પાર્ક કરાયેલા સુરક્ષા દળોના વાહનોને સળગાવી દીધા હતા.
ચુરાચંદપુરમાં ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકવાના આદેશ પર, સંયુક્ત સચિવ (ગૃહ) માયંગબામ વિટો સિંહે કહ્યું, 'સામાજિક તત્ત્વો સોશિયલ મીડિયાનો ઉપયોગ લોકોની ભાવનાઓને ભડકાવવા અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પ્રભાવિત કરવા માટે કરી શકે છે. જાનહાનિ, જાહેર/ખાનગી સંપત્તિને નુકસાન અને જાહેર શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દના વ્યાપક ખલેલને ધ્યાનમાં રાખીને, ઇન્ટરનેટ સેવાઓ પર અસ્થાયી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. મણિપુર પોલીસે તાજેતરની હિંસામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા અંગે કોઈ ટિપ્પણી કરી નથી. ચુરાચંદપુર જિલ્લા હોસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું કે ગોળી વાગવાથી બે લોકોના મોત થયા છે, જ્યારે એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે.