Gujarat Budget 2024-25: ગુજરાતે છેલ્લાં બે દાયકામાં સાતત્યપૂર્ણ વિકાસ કરી, જી.એસ.ડી.પી.માં 14.89%નો વિકાસદર હાંસલ કર્યો છે. વર્ષ 2000-01માં દેશના જી.ડી.પી.માં રાજયનો ફાળો 5.1% હતો, જે આજે વધીને 8.2% થયેલ છે. આમ, ગુજરાત દેશના વિકાસમાં પોતાનો ફાળો ઉત્તરોત્તર વધારી, દેશના ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત થયેલ છે. રાજયની આ વિકાસયાત્રામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીની શતાબ્દી એટલે કે વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા વિકસિત ભારત@2047નું આહ્વાન કર્યું છે. વિકસિત ભારતની આ સંકલ્પનામાં, ગુજરાત અગત્યનો ફાળો ભજવી, દેશના આર્થિક અને સામાજિક વિકાસનું સુકાન સંભાળે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની અમારી સરકારનું ધ્યેય છે.