GUJARAT ELECTION: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો પહેલો તબક્કો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ ચૂક્યો છે ત્યારે હવે આગામી પાંચમી ડીસેમ્બરે બાકી રહેલા 14 જિલ્લાની 93 બેઠકો માટે મતદાન યોજાશે. જેના માટે આજે શનિવારે સાંજે પાંચ વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે અને ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરશે. બીજા તબક્કાના મતદાનમાં 833 ઉમેદવારોનું ભાવિ સોમવારે ઈવીએમમાં સીલ થઈ જશે અને જેનો ફેંસલો 8મી ડીસેમ્બરે આવશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતને આવરી લેતી 93 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ અંતિમ ચરણના પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. સોમવારે પાંચમી ડીસેમ્બરે સવારે 8 વાગ્યાથી સાજે પાંચ વાગ્યા સુધી 14 જિલ્લાની 93 બેઠકો માટે મતદાન યોજાશે. જે માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 2017માં આ 93 બેઠકોમાંથી ભાજપના ફાળે 51 જ્યારે કોંગ્રેસના ફાળે 39 બેઠકો આવી હતી. ભાજપે અને કોંગ્રેસે તેમજ આમ આદમી પાર્ટીએ એડી ચોટીનું જોર લગાવ્યું છે ત્યારે કોને સફળતા મળે છે તેનો ફેંસલો 8મી ડીસેમ્બરે જ્યારે પરિણામ આવશે ત્યારે ખબર પડી જશે. પહેલી ડીસેમ્બરે 89 બેઠકો માટે 63.144 ટકા મતદાન થયું છે અને જેમાં 788 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા છે.