PM IN DWARKA: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારકાની મુલાકાતે હતા આ મુલાકાત દરમિયાન તેમણે જગત મંદિરમાં દ્વારકાધીશના દર્શન કર્યા હતા. ત્યારબાદ પીએમએ શારદાપીઠની મુલાકાત પણ લીધી હતી અને શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. બાદમાં તેઓ પવિત્ર ગોમતી નદીના ઘાટે પહોંચ્યા હતા અને ત્યાં તેમણે સુદામા સેતુની પણ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે પીએમએ જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું કે, દેશમાં આધુનિક સુવિધાઓ ઉભી થતાં વિદેશી પર્યટકોની સંખ્યામાં પણ સતત વૃદ્ધિ થઇ રહી છે. વર્ષ ૨૦૨૨ દરમિયાન ૮૫ લાખ વિદેશી પર્યટકોએ ભારતની મુલાકાત લીધી હતી. તેમાંથી એકલા ગુજરાતમાં જ ૧૫.૫ લાખ વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા. ઇ-વિઝા ઉપરાંત પ્રવાસન સ્થળો સાથેની વધેલી કનેક્ટિવિટી અને સુવિધાઓને કારણે દેશના પર્યટન સ્થળોનું વિદેશમાં આકર્ષણ વધ્યું છે. જેના કારણે ગુજરાતમાં રોજગાર અને સ્વરોજગારના અવસરો વધ્યા છે.